Multibagger Stock : શેરબજાર હાલમાં કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. બજારની અસ્થિરતા વચ્ચે સેન્સેક્સ અને નિફટી નીચે તરફ સરકી રહ્યા છે. આ સ્થિતિમાં કયા શેર રોકાણકારોને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે તે અનુમાન લગાવવું થોડું મુશ્કેલ છે. બજારના વિશ્લેષકોના મતે જે રોકાણકારો સમજદારીપૂર્વક રોકાણ કરે છે તેઓ મોટાભાગના કિસ્સાઓમાં સારી કમાણી કરી શકે છે. અનુભવી રોકાણકારોના મતે શેરબજારમાં સ્મોલ-કેપ શેરો અને મિડ-કેપ શેરોમાં લાંબા ગાળાના રોકાણથી સારું રિટર્ન મેળવી શકાય છે. આમ તો બજારમાં ઘણા એવા શેરો છે જે સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ લાંબા ગાળાની વાત કરીએ તો આ સમયે ઘણા શેર તેમના રોકાણકારોને બમ્પર વળતર આપવામાં સફળ રહ્યા છે. આવા શેરના પરિણામ જોઈને રોકાણકારોનું વલણ પણ શેરબજાર તરફ વધી રહ્યું છે.
પીટર લિંચના પુસ્તક ‘One Up on Wall Street’માં સૌપ્રથમ વપરાયેલ શબ્દ ‘મલ્ટિબેગર સ્ટોક્સ’ એવા સ્ટોક્સ છે જે તેમના રોકાણ પર અનેક ગણું વળતર આપે છે એટલે કે, તે પ્રમાણમાં ટૂંકા ગાળામાં 100 ટકા કે તેથી વધુ વળતર આપે છે. તેથી ઉદાહરણ તરીકે જો કોઈ સ્ટોક તમને અનેકગણું રિટર્ન આપે તો તે મલ્ટિબેગર સ્ટોક્સ કહેવાય છે. રોકાણકારો જોખમ સાથે નાણાં કમાવવા માટે મલ્ટિબેગર શેરોમાં નસીબ અજમાવતા હોય છે. મલ્ટિબેગર સ્ટોક્સ અત્યંત અસ્થિર બજારમાં ક્યારેક જોખમી સાહસ જેવું પણ લાગે છે.
હવે મલ્ટિબેગર સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવા તે વિશે વાત કરીએ તો મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવો એટલો સરળ નથી કારણ કે મલ્ટિબેગર સ્ટોક પસંદ કરવા માટે તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડશે જેમાં ક્યારેક તે ગણિત ખોટા પણ પાડી શકે છે. મોટાભાગે એ જ કંપની તમને મલ્ટિબેગર વળતર આપે છે જે કદમાં નાની હોય છે અથવા નવી કંપનીઓ હોય છે. આ પ્રકારની કંપનીઓમાં ઘણું જોખમ હોય છે જેમાં ક્યાં તો તમારા પૈસા ખૂબ ઝડપથી વધે છે અથવા તો તમને ઘણું નુકસાન થઈ શકે છે.