શેરબજારનું (Stock market) નિયમન કરતી એજન્સી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India-SEBI)એ કંપનીના પ્રમોટર્સ અને અબજોપતિ નેસ વાડિયા પરિવાર સિવાય બોમ્બે ડાઈંગ (Bombay Dyeing) એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. SEBIએ આ પ્રતિબંધ અને દંડ વાડિયા જૂથની કંપની સ્કાલ સર્વિસ લિમિટેડ અને તેના તત્કાલીન ડિરેક્ટર ડીએસ ગાગરત, એનએચ દાતનવાલા, શૈલેષ કર્ણિક, આર ચંદ્રશેકરન અને બોમ્બે ડાઈંગના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય અધિકારી દુર્ગેશ મહેતા પર પણ લગાવ્યો છે. પ્રતિબંધની સાથે સેબીએ તેમના પર 15.75 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે, જે તેમણે 45 દિવસની અંદર ચૂકવવો પડશે.
બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ કંપની પર નાણાકીય વિગતોની ખોટી રજૂઆત કરવાનો આરોપ છે, જેની ફરિયાદ મળ્યા બાદ સેબીએ બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (BDMCL)ના નાણાકીય વર્ષ 2011-12 થી 2018-19 વચ્ચેના કેસોની વિગતવાર તપાસ કરી.
સેબીની તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રતિબંધિત પ્રમોટરો અને કંપનીઓએ રૂ. 2,492.94 કરોડના વેચાણમાંથી રૂ. 1,302.20 કરોડના નફાને ખોટી રીતે રજૂ કરીને BDMCLની નાણાકીય વિગતોને પ્રભાવિત કરવાનું કામ કર્યું હતું. આ સમગ્ર મામલે વાડિયા પરિવારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ સેબીએ ગ્લોબલ રિસર્ચ, પવન ભીસે, વિલાશ ભીસે અને અંશુમન ભીસે પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. તેમના પર નિયમનકારી અધિકૃતતા વિના અનધિકૃત સલાહ આપવાનો આરોપ છે. સેબીના જણાવ્યા અનુસાર એપ્રિલ 2018થી માર્ચ 2019 સુધીમાં આ તમામ લોકોએ રોકાણની સલાહ આપીને લગભગ 43 લાખ રૂપિયાની કમાણી કરી હતી. સેબીએ તેમને 3 મહિનાની અંદર ગ્રાહકો પાસેથી કમાયેલા પૈસા પરત કરવાનો આદેશ પણ આપ્યો હતો.