Gautam Adani
Adani Group Stocks :ગુરુવારે શેરબજારમાં સવારથી જ તેજી જોવા મળી હતી. દિવસભર બજાર લીલા નિશાન પર રહ્યું જોકે, પ્રોફિટ-બુકિંગના કારણે બજારમાં પાછળથી ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સ 44 પોઈન્ટના મામૂલી વધારા સાથે 61,319ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે NSE 20 પોઈન્ટના વધારા સાથે 18,035 પર બંધ રહ્યો હતો. બજારમાં ભલે તેજી જોવા મળી પરંતુ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદથી અદાણી ગ્રુપ સતત ખોટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં અદાણી ગ્રુપના ઘણા શેર 70 ટકાથી વધુ તૂટ્યા છે. આ શેરોમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવર વગેરેનો સમાવેશ થાય છે.ગુરુવારે પણ અદાણી ગ્રુપના કેટલાક શેરમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. જાણો અદાણી ગ્રુપના શેરની છેલ્લી સ્થિતિ શું છે ?
અદાણી ગ્રુપના શેરની છેલ્લી સ્થિતિ
- અદાણી વિલ્મર લિમિટેડનો શેર 4.99 ટકાના વધારા સાથે અપર સર્કિટ પર પહોંચ્યો હતો. આ શેરની કિંમત 417.40 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.
- અદાણી પાવર લિમિટેડના શેર પણ ગુરુવારે અપર સર્કિટ પર આવ્યો હતો . કંપનીનો શેર 4.97 ટકા વધીને રૂ. 147.80 પર બંધ રહ્યો હતો.
- ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ -NDTV ના શેર પાંચ ટકાની અપર સર્કિટ સાથે રૂ. 206.90 પર બંધ થયા હતા.
- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેર 0.16 ટકા વધીને રૂ. 622 પર બંધ થયો છે.
- અદાણી એન્ટરપ્રાઈઝના શેર એક ટકા વધીને રૂ. 1,796.85 પર બંધ થયા છે.
- અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર 1.57 ટકાના વધારા સાથે રૂ. 578 પર બંધ થયો હતો. આ સ્ટૉકની 52 સપ્તાહની ઉપલી સપાટી 987.85 રૂપિયા છે.
- અંબુજા સિમેન્ટ્સ ગુરુવારે 0.91 ટકા વધીને રૂ. 348 પર બંધ થયો હતો.
- ACC લિમિટેડ 0.67 ટકા ઘટીને રૂ. 1,839.75 પર બંધ થયો હતો
- અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર ગુરુવારે પણ લોઅર સર્કિટ પર પહોંચ્યો અને રૂ. 966.60 પર બંધ થયો હતો
- અદાણી ટોટલ ગેસનો સ્ટોક પાંચ ટકા ઘટીને રૂ. 1022.60 થયો હતો. અગાઉના સત્રમાં અદાણી ટોટલ ગેસનો સ્ટોક રૂ.1076.40ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી
અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા શેરના ભાવમાં છેતરપિંડી કરવાના આરોપોમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની દેખરેખ હેઠળ સમિતિ અથવા બહુ-કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માગ કરતી વધુ એક PIL ગુરુવારે કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અદાણી જૂથ સામે તપાસની માગ કરતી આ ચોથી અરજી છે. કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે આજે સુનાવણી થવાની છે.