
જે રોકાણકારો IPO ભરીને રૂપિયા કમાવા માંગે છે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કંપની ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની લિમિટેડ એટલે કે IIFCL IPO લાવવાનો પ્લાન બનાવી રહી છે. કંપનીના MD પી.આર. જયશંકરે કહ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં IPO દ્વારા લિસ્ટિંગના પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે.
IIFCLના સ્થાપના દિવસના પ્રસંગે કંપનીના MD પી.આર. જયશંકરે જણાવ્યું હતું કે, અમે લિસ્ટિંગની તૈયારી કરી રહ્યા છીએ. તે આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે આગળ જણાવ્યું કે, કંપની ટૂંક સમયમાં એડવાઈઝરી પ્રોસેસ શરૂ કરશે અને તેને સરકાર સહિત વિવિધ મંજૂરીઓની જરૂર પડશે.
IPO દ્વારા કેટલો હિસ્સો વેચવાનું આયોજન છે તે પ્રશ્ન પર પી.આર. જયશંકરે જણાવ્યું કે, વિગતવાર ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી IIFCLની 100 ટકા માલિકી ભારત સરકાર પાસે છે.
IIFCLના MD પી.આર. જયશંકરને આશા છે કે FY24માં કંપનીનો નફો 1,500 કરોડ રૂપિયાને પાર કરશે. નાણાકીય વર્ષ 2023માં ચોખ્ખો નફો બે ગણો વધીને 1,076 કરોડ રૂપિયા થયો છે. તેની શરૂઆતથી, કંપનીએ 750 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને 2.5 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. કંપનીએ ડિસેમ્બર 2023 સુધી 30,315 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપી છે. જયશંકરના જણાવ્યા મૂજબ અત્યાર સુધીની માગને ધ્યાનમાં લેતા માર્ચ 2024 સુધીમાં લોનની મંજૂરી 40,000 કરોડ રૂપિયાને પાર થઈ જશે.
આ પણ વાંચો : આ અઠવાડિયે આવશે 3 કંપનીના IPO, વધારે કમાણી કરવી હોય તો રૂપિયા તૈયાર રાખજો
કંપનીનો ગ્રોસ NPA અને નેટ NPA રેશિયો સતત ઘટી રહ્યો છે. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ તે અનુક્રમે 3.77 ટકા અને 0.85 ટકા હતો. આગામી વર્ષના નફા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું કે કંપની 2,000 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક ધરાવે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેનો 19મો સ્થાપના દિવસ ઉજવ્યો છે.