મહારાષ્ટ્રની (Maharashtra) આગેવાની હેઠળ, તમામ રાજ્યોની સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) અને નોંધણી ફીનું (Registration Fee) કલેક્શન સામૂહિક રીતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં 1,00,100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. છેલ્લા 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષમાં આ આંકડો 1,27,700 કરોડ રૂપિયા હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય મુજબના ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 28 રાજ્યોએ સરેરાશ માસિક 12,500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ મહામારીના પહેલાના 12,800 કરોડ રૂપિયાના સ્તરથી થોડું ઓછું છે. પરંતુ આ 2020-21ના 10,600 કરોડ રૂપિયાના આંકડા કરતાં વધુ છે.
જો કે, રિપોર્ટમાં 2020-21ના સમાન સમયગાળાના તુલનાત્મક આંકડા આપવામાં આવ્યા નથી, કારણ કે તે સમયે દેશમાં મહામારીનું સંકટ ચાલુ હતું. માહિતી અનુસાર, મુંબઈ અને પુણેના આધારે મહારાષ્ટ્રનું સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ફીનું કલેક્શન પ્રથમ 8 મહિનામાં 17,097 કરોડ રૂપિયા હતું. કુલ કલેક્શનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 17.1 ટકા રહ્યો. તે પછી અનુક્રમે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક આવે છે. આ રાજ્યોનું કલેક્શન અનુક્રમે 12,800 કરોડ રૂપિયા, 8,700 કરોડ રૂપિયા અને 8,400 કરોડ રૂપિયા રહ્યું.
નાણાકીય વર્ષ 2020-21માં મહારાષ્ટ્રનું કુલ કલેક્શન 25,427 કરોડ રૂપિયા હતું. આ દેશના તમામ રાજ્યોના કુલ કલેક્શનના 19.9 ટકા છે. આ પછી ઉત્તર પ્રદેશ રૂ. 16,475 કરોડના કલેક્શન સાથે બીજા ક્રમે છે. કુલ કલેક્શનમાં તેનો હિસ્સો 12.9 ટકા હતો. તમિલનાડુ રૂ. 11,675 કરોડ અથવા 9.1 ટકા સાથે ત્રીજા ક્રમે અને કર્ણાટક રૂ. 10,576 કરોડ અથવા 8.3 ટકા સાથે ચોથા ક્રમે છે.
આ રાજ્યો પછી અનુક્રમે ગુજરાત (રૂ. 7,390 કરોડ અથવા 5.8 ટકા), તેલંગાણા (રૂ. 5,243 કરોડ અથવા 4.1 ટકા) અને હરિયાણા ( રૂ. 5,157 કરોડ અથવા 4 ટકા) સાથે આવે છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2021માં, BMC વિસ્તારમાં 10,172 રહેણાંક એકમો નોંધાયા હતા, જ્યારે ફેબ્રુઆરી, 2022માં તે ચાર ટકા ઘટીને 9,805 એકમો પર આવી ગયા છે.
સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાંથી મુક્તિને કારણે મુંબઈ-એમએમઆરમાં મકાનોનું વેચાણ વધ્યું છે. હોમ લોનના નીચા વ્યાજ દરો અને કિંમતોમાં આપવામાં આવતા ડિસ્કાઉન્ટે લોકોને ખરીદી માટે પ્રેર્યા છે. જાન્યુઆરીની તુલનામાં ફેબ્રુઆરી, 2022માં રજિસ્ટ્રેશનની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીમાં 8,155 મકાનો નોંધાયા હતા. તેમાં નવા રહેણાંક એકમો સિવાય જૂના મકાનોના વેચાણના આંકડા પણ સામેલ છે.