ઓનલાઈન ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ કંપની Zomato નો શેર મંગળવારે 5 ટકા સુધી ઘટ્યો હતો. NSE પર શેર પ્રતિ શેર રૂપિયા 61.40 પર બંધ થયો છે. ફૂડ ડિલિવરી માર્કેટમાં ONDCની એન્ટ્રીથી રોકાણકારો ચિંતાતુર બન્યા છે અને તેઓએ મંગળવારે શેરનું ભારે વેચાણ કર્યું છે. ભારત સરકારે એક પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાં ઝોમેટો(Zomato) અને સ્વિગી(Swiggy) કરતાં ઓછી કિંમતે ખાદ્યપદાર્થો ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મનું નામ ONDC એટલેકે ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ છે. એવું માનવામાં આવે છે કે આ પ્લેટફોર્મ આગામી સમયમાં Zomato અને Swiggy ને ટક્કર આપશે. જેના કારણે આજે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલેકે ONDC ગયા વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, તે હવે લોકપ્રિય બની રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા રેસટોરન્ટ થર્ડ પાર્ટી વિના ગ્રાહકોને સીધું ફૂડ વેચી શકે છે. આના કારણે એવું માનવામાં આવે છે કે તે Zomato અને Swiggy ના બિઝનેસને અસર કરશે. ONDC અથવા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પાસે 12 મિલિયન વિક્રેતાઓ છે જેઓ તેમના પ્લેટફોર્મ પર તેમના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ અને પુનઃવેચાણ કરે છે.
Zomato અને ONDCની ખાદ્ય ચીજોની કિંમતોની સરખામણી કરતા સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્ક્રીનશોટને ટાંકીને રજૂ કરાયેલા એક મીડિયા રિપોર્ટ મુજબ પ્લેન માર્ગેરિટા પિઝા Zomato પર રૂપિયા195માં ઉપલબ્ધ છે જ્યારે ONDC પર તેની કિંમત રૂપિયા156 છે. આનો અર્થ એ છે કે આ જ પ્રોડક્ટ ONDC પર 20% ઓછા ભાવે ઉપલબ્ધ છે. જ્યારે નોન-વેજ પ્રેમીઓએ ઝોમેટો પર મેકચિકન બર્ગર માટે રૂપિયા 280 ખર્ચવા પડશે પરંતુ તે ONDC પર માત્ર રૂપિયા 109માં ખરીદી શકાય છે.
ઝોમેટોના શેરમાં તાજેતરના ભૂતકાળમાં તેજી જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 14 ટકાનો વધારો થયો છે. જોકે છેલ્લા 6 મહિનામાં તેમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેણે છેલ્લા એક વર્ષમાં 17% રિટર્ન આપ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર