સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહેલી એડટેક ફર્મ બાયજુઝ (BYJU’s) ની મુશ્કેલીઓ શમવાનું નામ લઈ રહી નથી. તાજેતરના દિવસોમાં કંપનીના બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે કરાર તોડવાના સમાચાર સામે આવ્યા બાદ હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર બોલિવૂડમાં કિંગ ખાનના નામથી ફેમસ એક્ટર શાહરૂખ ખાન(Shah Rukh Khan) કંપની સાથેનો પોતાનો કોન્ટ્રાકટ રિન્યૂ નહીં કરે તેવું સાંભળવા મળ્યું છે. ખાન વર્ષ 2017 થી આ એડટેક ફર્મ સાથે સંકળાયેલો હતો. અગાઉ આયર્નખાન વિવાદ બાદ કંપનીએ અભિનેતાની જાહેરાત બંધ કર્યા બાદ પણ બંને પક્ષ વચ્ચે સંબંધ બગડ્યા હતા.
અભિનેતા શાહરૂખ ખાન વર્ષ 2017માં BYJU સાથે સંકળાયેલો હતો અને સ્ટાર્ટઅપે તેની સાથે આશરે રૂ. 4 કરોડની વાર્ષિક ફી માટે કરાર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાહરૂખ ખાન સાથે બાયજુની ડીલ આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહી છે અને તેના રિન્યુઅલની કોઈ આશા નથી. એક મીડિયા રિપોર્ટમાં આ બાબત સાથે જોડાયેલા લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે શાહરૂખ ખાનની ટીમ પણ એડટેક બ્રાન્ડ સાથે જોડાણ ચાલુ રાખવામાં ખચકાટ અનુભવી રહી છે.
રિપોર્ટ અનુસાર આ પહેલીવાર નથી કે જ્યારે શાહરૂખ ખાન (SRK) સાથે બાયજુના સંબંધો ખરાબ જોવા મળ્યા હોય… અગાઉ એપ્રિલ 2023 માં મતભેદો સામે આવ્યા હતા જ્યારે મધ્ય પ્રદેશમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે અયોગ્ય વ્યવસાય પ્રથાઓ સહિત એક મહિલાની ફરિયાદ પર BYJU અને SRK પર 50-50 હજાર રૂપિયાનો દંડ લાદ્યો હતો. વર્ષ 2021ની શરૂઆતમાં જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને લઈને વિવાદ ઊભો થયો હતો ત્યારે પણ બાયજુએ SRK સાથેની તેની જાહેરાતો બંધ કરી દીધી હતી.
ઘણા અહેવાલોમાં આવા સમાચાર પણ સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BYJUના બોર્ડના સભ્યો અને ઓડિટરોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, એડટેક ફર્મ દ્વારા આ અહેવાલોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા છે. Byju’s ખાતે ઉથલપાથલ વચ્ચે BYJU ના સ્થાપક CEO બાયજુ રવિેન્દ્રને એક ટાઉનહોલમાં મના કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્ય વિશે આશાવાદી છે અને શ્રેષ્ઠ આવવાનું બાકી છે.