Mutual Fund: સમય સાથે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ ઇચ્છતા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment) શરુ કરવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. જો કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાની સાથે તેને ક્યારે વેચવા જોઇએ તેનું પણ ધ્યાન રાખવુ જરુરી છે. મ્યુચ્યુઅલ ફંડને (Mutual Fund) વેચવાનો નિર્ણય લેતા પહેલા સાવચેતીપૂર્વક વિચારણા જરુરી છે. સાથે જ વેચાણ પહેલા વિવિધ પરિબળોને સમજવાની જરૂર છે, જે તેના વેચાણની કામગીરીને અસર કરી શકે છે.
આ પણ વાંચો- Sabka Sapna Money Money : Debt Mutual Fund શું છે, તમે જોખમ વિના તેમાં રોકાણ કરી શકો છો
તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ વેચવાના ઘણા કારણો હોઇ શકે છે. લાંબા ગાળા સુધી નબળું પ્રદર્શન, નાણાકીય લક્ષ્યમાં બદલાવ, ઊંચી ફી અથવા ખર્ચ, ફંડ રણનીતિ અથવા સંચાલનમાં નોંધપાત્ર ફેરફાર, પોર્ટફોલિયો પુનઃસંતુલિત કરવાની જરૂરિયાત અને વૈવિધ્યકરણની ખોટ એ સામાન્ય પરિબળો છે જે તમને વેચવા માટે પ્રેરિત કરી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઇએ અને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા સમયે જે કોઇ નાણાંકીય લક્ષ્ય રાખવામાં આવ્યો હોય અને તે હાંસલ થઇ જાય ત્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ વેચાણનો વિચાર કરી શકો છો. જો તમે કોઈ ચોક્કસ નાણાકીય ઉદ્દેશ્ય સાથે રોકાણ કર્યું હોય, જેમ કે નિવૃત્તિ બચત અથવા ઘર પર ડાઉન પેમેન્ટ તો તમે તમારા શેર મ્યુચ્યુઅલ ફંડમાં વેચવા વિચારી શકો છો.
જો તમે જે ફંડમાં રોકાણ કર્યું છે તે ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે, એટલે કે ફંડ તમારી વૃદ્ધિની અપેક્ષાઓ પૂરી કરી રહ્યું નથી, તો તમે તમારા શેર વેચવાનું અને અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકો છો.
જો તમને અણધારી કટોકટી માટે રોકડની જરૂર હોય, જેમ કે મેડિકલ બિલ અથવા ભારે કાર રિપેર બિલ,ઘર કે કોઇ અન્ય સંપત્તી ખરીદવાની જરુરિયાત હોય તો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના શેર વેચવાનું વિચારી શકો છો.
જો તમારો રોકાણનો અભિગમ બદલાઈ રહ્યો છે, તો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના શેર વેચી શકો છો અને નવા ફંડ્સમાં રોકાણ કરી શકો છો. જે તમારી નવી વ્યૂહરચના સાથે વધુ સુસંગત હોય.
તમારા મ્યુચ્યુઅલ ફંડને વેચવાનું નક્કી કરતા સમયે જે એક્ઝિટ ચાર્જ લાગે છે તેના વિશે તમને માહિતી હોવી જરુરી છે. તમે પસંદ કરો છો તે ફંડ અને બ્રોકરના આધારે રિડેમ્પશન ફી બદલાઈ શકે છે. તમારી ચોક્કસ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જાણકાર નિર્ણય લેવા માટે નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી સલાહભર્યું છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)