Mutual Fund : જો તમે પણ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment) કરો છો. તો સંભવ છે કે તમે SIPના નાણાં ચુકવણી માટે કોઇ ચોક્કસ તારીખ વિચારી ન હોય. જો કે કેટલાક લોકો કોઇ ચોક્કસ તારીખે SIP પેમેન્ટ ઇચ્છતા હોય છે. કેટલાક ફંડ એવા હોય છે કે SIP પેમેન્ટ કોઇપણ દિવસે કરવાની સુવિધા આપતા હોય છે. જેમ કે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, જેએમ ફાઇનાન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ વગેરે.
ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે તેની કેટલીક વિશેષ યોજનાઓમાં દૈનિક SIP રકમ ઘટાડીને 20 રુપિયા કરી છે. તેનો ઉદ્દેશ્ય શક્ય તેટલા વધુ લોકોને તેની યોજનાઓનો લાભ આપવાનો છે. આ સાથે SIP વધુને વધુ લોકો માટે સુલભ બનશે. જો કે SIPમાં નિયમિત અને લાંબા ગાળાનું રોકાણ જરૂરી છે. ઘણા રોકાણકારો લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવા માગે છે. તેવા લોકો માટે ‘ઇન્વેસ્ટ એઝ યુ અર્ન’ પદ્ધતિ અનુકૂળ છે.
લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. રોકાણકારોએ મે 2023માં SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 14,749 કરોડ રુપિયાનું રોકાણ કર્યું હતું. તેની સરખામણીમાં મે 2022માં તેમનું રોકાણ 12,286 કરોડ રુપિયા હતું.
એક રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર SIPમાં રોકાણ દૈનિક હોય, સાપ્તાહિક હોય કે માસિક હોય, તેના વળતરમાં વધુ ફરક પડતો નથી. નીચે આપેલું કોષ્ટક દર્શાવે છે કે સેન્સેક્સ SIP એ 14.1 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વળતર આપ્યું છે. SIP ની આવર્તન આને અસર કરી નથી. દર મહિનાની 1લીથી 28મી વચ્ચે SIPમાં રોકાણ પરનું વળતર લગભગ 15.7 ટકા રહ્યું છે.
SIPમાં મળતા 14થી 15 ટકા રિટર્નના પગલે તે રોકાણનો આકર્ષક વિકલ્પ બની ગયો છે. તેમ છતાં કેટલીક બાબતો રોકાણકારોએ જાણવી જરુરી છે. ઘણા રોકાણકારો લાંબા ગાળાના રોકાણ વિશે વિચારે છે પરંતુ બજારમાં વધઘટ થતાં જ તેઓ તેમના નાણાં ઉપાડવાનું શરૂ કરી દે છે. શેરમાં રોકાણ કરવાથી ઘણું સારું વળતર મળે છે, પરંતુ SIPમાં વળતર સમાન હોવાની અપેક્ષા ન રાખવી જોઈએ.
ઘણી વખત બજારમાં ઉતાર-ચઢાવના સમયમાં SIP વળતર હકારાત્મક- નકારાત્મક બની જાય છે. જો કે બજારની વધઘટ દરમિયાન રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચવું જોઈએ નહીં.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)