MONEY9: રશિયા મોકલી રહ્યું છે ભારતમાં સસ્તું ક્રૂડ, કઈ કંપનીઓને થઈ રહ્યો છે ફાયદો?

|

Jun 10, 2022 | 2:41 PM

રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ભલે આખી દુનિયા મોંઘવારીની ભઠ્ઠીમાં સેકાઈ રહી હોય, પરંતુ કેટલીક ભારતીય કંપનીઓ માટે તો કમાણીના દરવાજા ખુલી ગયા છે.

MONEY9: રશિયા (RUSSIA)અને યુક્રેન (UKRAINE) યુદ્ધ (WAR)ને કારણે ભલે આખી દુનિયા મોંઘવારીની ભઠ્ઠીમાં સેકાઈ રહી હોય, પરંતુ કેટલીક ભારતીય કંપનીઓ માટે તો કમાણીના દરવાજા ખુલી ગયા છે. વિવિધ અહેવાલો દર્શાવે છે કે, ભારતની ઓઈલ રિફાઈનિંગ કંપનીઓ રશિયાથી જંગી માત્રામાં કાચા તેલની ખરીદી કરી રહી છે અને આ કાચું તેલ રિફાઈન કરીને તેમાંથી પેટ્રોલ, ડીઝલ અને કેમિકલ બનાવીને અમેરિકા તેમજ યુરોપમાં બજારભાવે નિકાસ કરી રહી છે.  

રશિયા-યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીના અંતે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ત્યારે આશંકા સેવાઈ રહી હતી કે, દુનિયામાં તેલનો સપ્લાય કરવામાં આગળ રશિયામાંથી ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ શકે છે. આ ભયને કારણે કાચા તેલના ભાવમાં ભડકો થયો. યુદ્ધ પહેલાં ભાવ 80 ડૉલરની નીચે હતો, તે 135 ડૉલરને સ્પર્શી ગયો અને અત્યારે ક્રૂડ ઓઈલના ભાવ 118 ડૉલરની આસપાસ ચાલી રહ્યાં છે. 

ક્રૂડના ભાવમાં ફાટી નીકળેલી મોંઘવારીમાં મોકો જોઈને રશિયાએ ભારત સહિતનાં ઘણા દેશોને સસ્તા ભાવે તેલ આપવાની ઑફર કરી. વિવિધ રિપોર્ટ્સમાં નોંધ્યા પ્રમાણે, રશિયાનું તેલ 35 ડૉલર જેટલાં તગડા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે અને આ જંગી ડિસ્કાઉન્ટને કારણે જ ભારતીય કંપનીઓને મજા પડી ગઈ છે. કંપનીઓ અઢળક નફો રળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી મોટી રિફાઈનિંગ કંપનીઓ રશિયાથી સસ્તામાં તેલની ખરીદી કરી રહી છે અને પેટ્રોલ, ડીઝલ બનાવીને મોંઘા ભાવે દુનિયાને વેચી રહી છે. 

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, યુદ્ધ પહેલાં ભારત રશિયાથી જેટલા ક્રૂડ ઓઈલની આયાત કરતું હતું, તેના કરતાં હવે 27 ગણી વધુ આયાત કરે છે. પહેલાં રશિયાથી દરરોજ 30 હજાર બેરલ જેટલું તેલ ભારત આવતું હતું અને હવે દરરોજ 8 લાખ બેરલ તેલ ભારતમાં પહોંચી રહ્યું હોવાનું અનુમાન છે. 

ભારતમાં રશિયન તેલની જેટલી આયાત થાય છે, તેનો મહત્તમ હિસ્સો રિલાયન્સની રિફાઈનરીઓમાં પહોંચે છે અને યુદ્ધ પહેલાંની સરખામણીએ રિલાયન્સની આયાત 7 ગણી વધી ગઈ છે. 

ભારત દ્વારા પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં જે વૃદ્ધિ થઈ છે, તેની પાછળનું મુખ્ય કારણ રશિયાનું સસ્તું ક્રૂડ જ છે. ફેબ્રુઆરી પછી પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરીમાં ભારતે માત્ર 4.65 અબજ ડૉલરના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી પરંતુ માર્ચમાં આ નિકાસનો આંકડો વધીને 7.75 અબજ ડૉલર થઈ ગયો અને એપ્રિલમાં તો 8 અબજ ડૉલરના સ્તરને પાર પણ થઈ ગયો. આમ, ભારતની આ નિકાસનો સૌથી મોટો ફાયદો ઓઈલ રિફાઈનિંગ કંપનીઓને થઈ રહ્યો છે.

Next Video