શેરબજાર(Share Market)માં ઘટાડા વચ્ચે સોમવારે ડોલર(Dollor) સામે રૂપિયા(Rupee)માં 30 પૈસાની નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો 75.42 ના સ્તર પર બંધ થયો હતો. આ આઠ સપ્તાહનું સૌથી નીચું સ્તર છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.
આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે. હાલમાં ક્રૂડની કિંમતમાં 2.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 71.77 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ 949 પોઈન્ટ (-1.65%) ના ઘટાડા સાથે 56,747 ના સ્તરે બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 96.177 ના સ્તરે લીલા નિશાન ઉપર છે. છેલ્લા સાત સપ્તાહથી ડોલર ઈન્ડેક્સ સતત વધી રહ્યો છે.
મોંઘવારીની ચિંતામાં વધારો
જો ડોલર સામે રૂપિયો નબળો પડે તો મોંઘવારી વધુ મજબૂત બને છે. મોંઘવારી વધે તો લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. જ્યારે ચીજવસ્તુઓની કિંમત વધે છે ત્યારે લોકોની ખરીદશક્તિ ઘટી જાય છે. આ સિવાય રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થાય છે. આયાત બિલમાં વધારાને કારણે દેશની રાજકોષીય ખાધ વધે છે.
વિદેશી રોકાણકારોનું રોકાણ ઘટ્યું
જે લોકો વિદેશમાં અભ્યાસ કરે છે તેમના ખર્ચમાં વધારો થાય છે. આ સિવાય વિદેશ યાત્રા પણ મોંઘી થાય છે. રૂપિયાની નબળાઈને કારણે વિદેશી રોકાણકારો સરકારી દેવાના સાધનોમાં રોકાણ ઘટાડે છે. આ રીતે કુલ વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો છે.
શુક્રવારે વિદેશી રોકાણકારોએ 3356 કરોડનું વેચાણ કર્યું
BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 949.32 પોઈન્ટ ના ઘટાડા સાથે 56,747.14 ના સ્તર પર બંધ થયા છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. શુક્રવારે તેમણે રૂ. 3,356.17 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
MPCની બેઠક ઉપર નજર
ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા બેઠક સોમવારે શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે વાયરસના નવા વેરિએન્ટને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે મધ્યસ્થ બેંક પોલિસી રેટ મોરચે યથાવત્ યથાવત જાળવી રાખશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની MPC બેઠકના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો રિઝર્વ બેંક બુધવારે નીતિગત વ્યાજ દરો યથાવત રાખે છે તો તે સતત નવમી વખત હશે કે દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ દરોમાં ફેરફાર કર્યો હતો.
આ પણ વાંચો : આ IT કંપનીએ અચાનક 900 કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવી દીધો, Zoom Call પર જણાવ્યું કારણ