આજે ડોલર સામે રૂપિયામાં (dollar vs rupee) રેકોર્ડ તેજી જોવા મળી છે. શુક્રવારના વેપારમાં ડોલર સામે રૂપિયો 40 પૈસા મજબૂત થયો હતો, જે છેલ્લા ત્રણ મહિનામાં એક સત્રમાં નોંધાયેલો સૌથી તીવ્ર વધારો છે. શુક્રવારના કારોબારમાં રૂપિયો 40 પૈસા સુધરીને 74.66 પર બંધ રહ્યો હતો, જે બે સપ્તાહથી વધુ સમયની રૂપિયોની સર્વોચ્ચ સપાટી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, રશિયા અને યુક્રેનની તંગદિલી દૂર થવાની ધારણાની સાથે સાથે ક્રૂડ ઓઈલના (crude oil price) ભાવમાં નરમાઈથી રૂપિયાને ટેકો મળ્યો હતો. એવા અહેવાલો છે કે રશિયા અને યુક્રેન આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે વાતચીત કરવા માટે સંમત થયા છે. જેના કારણે સ્થાનિક ચલણને રાહત મળી છે.
ફોરેક્સ માર્કેટમાં, ભારતીય ચલણ ડોલર સામે 75.03 પર ખુલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન 74.60ની એક દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 75.05 ની નીચી સપાટીએ નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે, રૂપિયો અગાઉના 75.06 ના બંધ કરતાં 40 પૈસા અથવા 0.53 ટકાનો વધારો નોંધાવીને 74.66 પર બંધ થયો હતો. ગુરુવારે રૂપિયો 75.11 પર બંધ થયો હતો, પરંતુ પાછળથી 75.06 પર સ્થિર થયો હતો. સપ્તાહ દરમિયાન અમેરિકી ચલણ સામે રૂપિયો 70 પૈસા મજબૂત થયો છે.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં BSE સેન્સેક્સ 59.04 પોઈન્ટ્સ અથવા 0.10 ટકા ઘટીને 57,832.97 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 28.30 પોઈન્ટ્સ અથવા 0.16 ટકા ઘટીને 17,276.30 પર બંધ થયો હતો. આ દરમિયાન ડૉલર ઇન્ડેક્સ, જે છ કરન્સી સામે ડૉલરની કામગીરીને માપે છે, તે 0.05 ટકા વધીને 95.84 પર પહોંચ્યો હતો. આ સાથે ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 1.68 ટકા ઘટીને 91.41 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત યુએસ-રશિયા વાટાઘાટોએ યુક્રેનમાં અસ્થિર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વિશે નવી આશાઓ ઊભી કરી છે. પરમારે જણાવ્યું હતું કે, ડોલરમાં લાંબા સમય સુધી ચાલતી અસ્થિરતા, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને LIC IPOમાંથી ડોલરના પ્રવાહની અપેક્ષા વચ્ચે, રૂપિયો ગયા સપ્તાહના ઘટાડાથી સુધર્યો હતો અને આ મહિને મોટા ભાગની ખોટને કવર કરી હતી.
બીજી તરફ, રેલિગેર બ્રોકિંગ લિમિટેડના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, “રશિયા-યુક્રેન સંકટના ઉકેલની વધતી આશા વચ્ચે શુક્રવારના સત્રમાં રૂપિયો લગભગ 0.50 ટકા વધ્યો છે.” સચદેવાએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ સતત આઠ સપ્તાહના વધારા પછી ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે સપ્લાય અંગેની આશંકા હવે ઓછી થઈ રહી છે. તેનાથી સ્થાનિક ચલણ માટે સેન્ટિમેન્ટમાં વધુ સુધારો થયો છે.
એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના જણાવ્યા અનુસાર, રશિયા-યુક્રેનના તણાવને સમાપ્ત કરવામાં કોઈપણ રાજદ્વારી સફળતા રૂપિયાને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક ચલણ 74.25/73.80ના સ્તરે મજબૂત થઈ શકે છે. બીજી તરફ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રૂપિયો 75.4ના સ્તરની ઉપર પહોંચશે ત્યારે જ 75.76નું સ્તર જોવા મળશે.
આ પણ વાંચો : ઈન્ડિગોના ડિરેક્ટર રાકેશ ગંગવાલે કંપનીના બોર્ડમાંથી આપ્યું રાજીનામું