MONEY9 : રિઝર્વ બેંકે રેપો રેટ વધાર્યા, આટલી મોંઘી થઇ શકે લોન

|

Jun 13, 2022 | 3:14 PM

બેન્કો જે વ્યાજ દરે રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ વધ્યો એટલે આપણી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન એમ તમામ લોન મોંઘી થશે.

MONEY9: ભારતીય રિઝર્વ બેંકે (RESERVE BANK) રેપો રેટ (RAPO RATE)માં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. હજુ તો ગયા જ મહિને 40 બેઝિસ પોઇન્ટનો વધારો થયો હતો. હવે રેપો રેટ 4.9 ટકા પર આવી ગયો છે. 

બેન્કો જે વ્યાજ દરે રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ વધ્યો એટલે બેન્કોનો રિઝર્વ બેન્ક પાસેથી લોન લેવાનો વ્યાજ દર વધ્યો જેને પરિણામે આપણી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન એમ તમામ લોન મોંઘી થશે. 

હવે મોટો સવાલ એ છે કે લોન કેટલી મોંઘી થશે? જો તમે વિચારી રહ્યા છો કે રેપો રેટ વધવાની ગતિથી જ તમારી લોન પણ મોંઘી થશે તો તમે ભૂલ કરો છો. કારણ કે તમારા માટે લોનની ગણતરી રેપો રેટથી નહીં પરંતુ બૉન્ડ યીલ્ડથી શરૂ થાય છે. ભારતમાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ હજુ 7.5 ટકાની નજીક છે. સરળ ભાષામાં કહીએ તો ભારત સરકારને 10 વર્ષ માટે 7.5 ટકાના દરે લોન મળી રહી છે. ધ્યાનમાં રાખો કે સરકાર દેશની સૌથી મોટી અને ભરોસાપાત્ર ગ્રાહક છે. જ્યારે સૌથી મોટા અને ભરોસાપાત્ર ગ્રાહકને જ્યારે લોન 7.5 ટકાના દરે મળી રહી હોય તો મારી-તમારી લોન તો આનાથી મોંઘી જ રહેવાની. તો હવે એ દિવસો દૂર નથી જ્યારે તમને મકાન, દુકાન અને કાર માટેની લોન માટે બે આંકડાના દરે વ્યાજ ચુકવવું પડશે.

ડબલ ડિજિટમાં કેમ, તમે પૂછી શકો છો? તો બે આંકડામાં એટલા માટે કે બૉન્ડ યીલ્ડ અહીંથી વધશે તેની પૂરી શક્યતા છે. બૉન્ડ યીલ્ડ ક્યારે વધે છે? જ્યારે મોંઘવારી વધી રહી હોય, સરકારના ખજાનાની હાલત પતલી હોય, ખોટ વધી રહી હોય અને લોન અનુમાનથી વધારે લેવાની હોય. અત્યારે આ બધુ એકસાથે થઇ રહ્યું છે.

રિઝર્વ બેંકને આશંકા છે કે મોંઘવારી નાણાકીય વર્ષ 2023ના પહેલા 3 ક્વાર્ટરમાં 6 ટકાની ઉપર રહેશે. એટલે કે આરબીઆઇના અનુમાન અનુસાર આ સહન કરી શકાય તે લેવલથી ઉપર હશે. મોંઘવારીને કાબૂમાં કરવા માટે સરકારે હાલમાં જ પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટૂીમાં ઘટાડો કર્યો હતો. જેનાથી સરકારની તિજોરી પર અંદાજે 2.20 લાખ કરોડના વધારાના બોજનું અનુમાન છે. સરકારના ટોચના અધિકારી જણાવી રહ્યા હતા કે સરકારની ટેક્સથી કમાણી ઘટી શકે છે. કમાણી ઘટશે તો ખોટ વધશે અને વધારે લોન લેવી પડશે. નાણાકીય વર્ષ 2023માં કેન્દ્ર સરકાર તરફથી કુલ 14.95 લાખ કરોડની લોન લેવાનું અનુમાન છે. પરંતુ આ સ્થિતિ ક્રૂડ ઓઇલના 100 ડૉલરની ઉપર પહોંચ્યા પહેલાની છે. ગ્લોબલ મોંઘવારીએ બધુ બજેટ બગાડી નાંખ્યુ છે.

કેન્દ્ર બાદ હવે વાત રાજ્યોની કરીએ તો તેમની હાલત તો વધારે ખરાબ છે. રાજ્યો માટે વ્યાજનો એવરેજ દર 8 ટકાની પાર નીકળી ગયો છે. આ બે વર્ષમાં સૌથી વધારે છે. જીએસટી વળતર સમાપ્ત થયા બાદ તો લોનની વધારે જરૂરિયાત પડી શકે છે. દેશની જીડીપીમાં 80 ટકા હિસ્સેદારી રાખનારા કુલ 20 રાજ્યો તરફથી કુલ 5.73 લાખ કરોડ રૂપિયાની લોન લેવાનું અનુમાન છે. તો મોટી વાત એ છે કે સસ્તી લોનના દિવસો હવે પૂરા થયા. લોન હવે બધા માટે મોંઘી થશે. મોંઘવારી વધવાની સાથે સાથે લોન પણ મોંઘી થતી રહેશે.

Next Video