RBIના આ નિર્ણયે બગાડ્યું ઘર ખરીદવાનું ગણિત, ફરી વધશે હોમ લોન EMI

RBI Repo Rate Hike: લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ બીજો વધારો છે. રિઝર્વ બેંકના નિર્ણયની સીધી અસર હોમ લોનના (Home Loan) ઈએમઆઈ પર પડશે.

RBIના આ નિર્ણયે બગાડ્યું ઘર ખરીદવાનું ગણિત, ફરી વધશે હોમ લોન EMI
RBI (Symbolic Image)
| Edited By: | Updated on: Jun 08, 2022 | 8:43 PM

જો તમે પણ ઘર ખરીદવાનું અથવા મકાન બનાવવાનું વિચારી રહ્યા છો, તો વધુ ખિસ્સુ ઢીલું કરવા તૈયાર રહો. કારણ કે, મોંઘવારી કેટલાંક વર્ષોના ઊંચા સ્તરે પહોંચવાના કારણે રિઝર્વ બેંક (RBI)એ ફરી એકવાર રેપો રેટ (Repo Rate) વધારવાની જાહેરાત કરી છે. બુધવારે 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે. લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ બીજો વધારો છે. રિઝર્વ બેંકના નિર્ણયની સીધી અસર હોમ લોનના EMI પર પડશે. જેની અસર મકાનોના વેચાણ પર જોવા મળી શકે છે, એટલે કે ઘર ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, ખાસ કરીને એફોર્ડેબલ અને મિડ-રેન્જના મકાનોમાં. અગાઉ, આરબીઆઈએ મેની શરૂઆતમાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ બેંકોએ તેમના ધિરાણ દરમાં 30 થી 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

હોમ લોન મોંઘી થશે

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે જણાવ્યું હતું કે, આરબીઆઈના નિર્ણયથી હોમ લોન મોંઘી થશે. બાંધકામની ઊંચી કિંમત અને મકાન સામગ્રીની વધતી કિંમતો સાથે વ્યાજ દરમાં વધારો ઘર ખરીદનારના સેન્ટિમેન્ટને પ્રતિકૂળ અસર કરી શકે છે.

હાઉસિંગ ડોટ કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલ કહે છે કે રેપો રેટ વધારવા માટે આરબીઆઈના પગલાની પહેલેથી જ અપેક્ષા રાખવામાં આવી રહી હતી. રિઝર્વ બેંકના બેન્ચમાર્ક ધિરાણ દરમાં વધારાને કારણે હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે. જેના કારણે ઘર ખરીદનારાઓના સેન્ટિમેન્ટને અસર થશે. વ્યાજ દરો રેકોર્ડ નીચા સ્તરે રહેવાને કારણે છેલ્લા વર્ષમાં ઘર ખરીદનારાઓને ઘણો ફાયદો થયો છે.

મોંઘવારી સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની

હાલમાં મોંઘવારી સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા સુધી મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. રિઝર્વ બેંકે કહ્યું કે રિટેલ ફુગાવો 2022-23માં 6.7 ટકા રહેવાનો છે. તેનો દર પ્રથમ ક્વાર્ટરમાં 7.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેવાનો અંદાજ છે. એપ્રિલ 2022માં રિટેલ ફુગાવાનો દર 7.8 ટકા હતો, જે 8 વર્ષમાં સૌથી વધુ છે.