Shaktikanta Das on Cryptocurrency: એક તરફ સરકાર ક્રિપ્ટોકરન્સી બિલ લાવવાની તૈયારી કરી રહી છે, જે ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા નક્કી કરશે અને ખાનગી ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય નક્કી કરશે. બીજી બાજુ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ ( RBI Governor Shaktikanta Das) બીટકોઈન, ઈથેરિયમ જેવી ખાનગી ડિજિટલ કરન્સીને લઈને સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
ગુરુવારે એક કાર્યક્રમને સંબોધતા શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેન્ક બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને લઈને “ગંભીરતાથી” ચિંતિત છે અને તેમણે આ ચિંતા સરકારને પણ જણાવી દીધી છે. હવે સરકારે આ મામલે નિર્ણય લેવાનો છે. તેમણે ઉમેર્યું કે અર્થવ્યવસ્થામાં ક્રિપ્ટોકરન્સીના યોગદાન અંગે “વિશ્વસનીય ખુલાસા અને જવાબો”ની જરૂર છે.
બિટકોઈન જેવી ખાનગી ક્રિપ્ટો કરન્સી નિયમનના દાયરામાં આવતી નથી. તેના ભાવમાં ભારે વધઘટ થતી રહે છે. આવા અવાજો ઉઠી રહ્યા છે કે તેમને વિદેશી સંપત્તિ ગણવી જોઈએ. સરકારે નક્કી કરવાનું છે કે તેમને સંપૂર્ણ રીતે મંજૂરી આપવી કે નહીં.
નાણામંત્રીએ કહ્યું હતું કે કેબિનેટ ક્રિપ્ટોકરન્સી માટે તૈયાર છે
આ પહેલા 4 જૂને પણ દાસે ખાનગી ક્રિપ્ટોકરન્સી વિશે જાહેરમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ક્રિપ્ટોકરન્સી રોકાણકારો અંગે દાસે કહ્યું કે રિઝર્વ બેંક ડિજિટલ ચલણમાં રોકાણ અંગે કોઈ સલાહ આપી રહી નથી. તે રોકાણકારોનો પોતાનો નિર્ણય હશે. ક્રિપ્ટોકરન્સી અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે 16 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે સરકાર એક કાયદો લઈને આવી રહી છે, જે તેને નિયંત્રિત કરશે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે ક્રિપ્ટો કાયદા અંગે કેબિનેટની નોંધ તૈયાર છે. હું તે દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે તેને કેબિનેટની મંજૂરી મળશે.
ભારતીય રિઝર્વ બેંક સતત ખાનગી ક્રિપ્ટોકરન્સીનો વિરોધ કરી રહ્યું છે અને CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) ની તરફેણ કરી રહ્યું છે. રિઝર્વ બેંકની એક સમિતિ આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં સેન્ટ્રલ બેંક તેની ડિજિટલ કરન્સી અંગે મોટી જાહેરાત કરી શકે છે. એક પ્રતિષ્ઠીત મીડિયા સાથેની વાતચીતમાં ગવર્નર શક્તિકાંત દાસે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધીમાં સીબીડીસીનો (CBDC) ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ થઈ શકે છે.
અલ સાલ્વાડોર આ સપ્તાહે બિટકોઈનને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે. એક દિવસમાં ચલણના મૂલ્યમાં 20 ટકા ‘કરેક્શન’ આવ્યા બાદ ત્યાં ઘણો તણાવ પેદા થયો છે. દાસે કહ્યું “અમે સરકારને ક્રિપ્ટોકરન્સી અંગે અમારી ગંભીર અને મોટી ચિંતા જણાવી છે. સરકારે આ અંગે નિર્ણય લેવાનો છે. ”
રિઝર્વ બેંકે શરૂઆતમાં બેન્કોને આ પ્રકારની સંપત્તિમાં રોકાણકારો દ્વારા કારોબારની પરવાનગી આપવા પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકના આદેશને રદ કરી દીધો હતો, ત્યારબાદ તેની પરવાનગી આપવામાં આવી હતી. કેટલાક સમાચાર અનુસાર કેટલીક બેન્કોએ ફરીવાર આ પ્રકારનું કામકાજ શરૂ કર્યું છે. આ પહેલા માર્ચમાં દાસે કહ્યું હતું કે તેમની પાસે આ વિશ્વાસ કરવાનું કારણ છે કે સરકાર કેન્દ્રીય બેંક દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા સાથે સંમત છે.