દેશનું વિદેશી મુદ્રા ભંડાર 22 ઓક્ટોબરે સમાપ્ત થયેલા અઠવાડિયામાં 90.8 લાખ ડોલર ઘટીને 640.1 અરબ ડોલર રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે પોતાના લેટેસ્ટ ડેટામાં આ જાણકારી આપી. આના પહેલા 15 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 1.492 અરબ ડોલર વધીને 641.008 અરબ ડોલર થઈ ગયુ હતું. આ પહેલા 3 સપ્ટેમ્બર, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 642.453 અરબ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.
શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 22 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (FCA) અને સોનાના ભંડારમાં ઘટાડો થવાને કારણે હતો, જે કુલ મુદ્રા ભંડારનો એક મહત્વપુર્ણ હિસ્સો છે.
રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની ફોરેન કરન્સી એસેટ (FCA) 85.3 કરોડ ડોલર ઘટીને 577.098 અરબ ડોલર રહ્યું છે. ડોલરમાં ગણતરીમાં લેવામાં આવતી વિદેશી મુદ્રા સંપતિમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો રીઝર્વ ભંડાર 13.8 કરોડ ડોલર ઘટીને 38.441 અરબ ડોલર રહ્યો છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડારમાં દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 7.4 કરોડ ડોલર વધીને 19.321 અરબ ડોલર થઈ ગયો છે. આઈએમએફ (IMF)માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર એક કરોડ ડોલર વધીને 5.240 અરબ ડોલર થઈ ગયો છે.
સાપ્તાહિક ધોરણે શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયે સેન્સેક્સમાં 1.13 ટકાનો ઘટાડો થયો છે અને તે 59,306ના સ્તર પર બંધ થયો છે. ડૉલર ઈન્ડેક્સ આ સપ્તાહે 0.53 ટકા વધીને 94.108 ના સ્તર પર બંધ થયો છે. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. ડૉલરના મજબૂત થવાની સીધી અસર વિદેશી મુદ્રા ભંડાર પર પડે છે.
આ સિવાય કાચા તેલના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. જોકે, સાપ્તાહિક ધોરણે આ સપ્તાહે ક્રૂડ ઓઈલ 1.34 ટકા ઘટીને બેરલ દીઠ 83.68 ડોલર પ્રતિ બેરલના સ્તર પર બંધ થયું હતું. ભારત ક્રૂડ ઓઈલનો મોટો આયાતકાર દેશ છે. આવી સ્થિતિમાં ક્રૂડ તેલના ઓઈલમાં તેજીથી રીઝર્વમાં ઝડપથી ઘટાડો આવે છે.
આ પણ વાંચો : આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત