ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ નબળો રૂપિયો તમારા ખિસ્સા ઉપર પણ ભારે પડશે. ડૉલરનો ( Dollar) ભાવ 75 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ સાથે નવા વર્ષની રજાઓ વિદેશમાં ઉજવવી કે ઈમ્પોર્ટેડ મોબાઈલ ખરીદવો હવે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. આવો અમે તમને જણાવીએ કે નબળા પડી રહેલા રૂપિયાની આપણા જીવન પર કેવી અસર પડશે.
આ રીતે આખું ગણિત સમજો
ધારો કે વિદેશમાં કોઈ વસ્તુની કિંમત $80 છે અને ભારતમાં, આયાત અને અન્ય ડ્યુટી મળીને તેની કિંમત $100 થાય છે. અગાઉ ડોલર 74 રૂપિયાની નજીક હોવાથી અને ભારતમાં તે વસ્તુ ખરીદવા માટે તમારે 7400 રૂપિયા ચૂકવવા પડતા હતા અને હવે ડોલર 75 રૂપિયા હોવાને કારણે તમારે તેના માટે 7500 રૂપિયા ચૂકવવા પડે છે, એટલે કે રૂપિયો નબળો પડે છે. આના કારણે તમારા ખિસ્સામાંથી 100 રૂપિયા વધુ નીકળે છે.
જ્યાં તમારે વધુ ચૂકવણી કરવી પડશે
નબળા રૂપિયા પર વિદેશ પ્રવાસ, વિદેશી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવા અથવા વિદેશથી લેવામાં આવતી અન્ય કોઈપણ સેવાના ખર્ચ પર વધારાની ચૂકવણી કરવી પડે છે. પહેલા ડોલર સસ્તો હોય તો ઓછા પૈસા ચૂકવવા પડતા હતા અને હવે ડોલર મોંઘો થાય તો વધુ પૈસા ચૂકવવા પડે છે. એટલું જ નહીં, ભારત જરૂરિયાતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ પેદાશો, મોબાઈલ ફોન, ખાદ્યતેલ, કઠોળ, સોનું અને ચાંદી, રસાયણો અને ખાતરની મોટી માત્રામાં આયાત કરે છે, એટલે કે રૂપિયો નબળો પડવાને કારણે આ બધું મોંઘું થઈ જાય છે.
રૂપિયાની નબળાઈના ફાયદા પણ છે
રૂપિયો નબળો પડવાથી માત્ર ગેરફાયદા જ નથી, પરંતુ કેટલાક ફાયદા પણ છે, જેમ કે નબળો રૂપિયો વિદેશથી આયાત કરવામાં આવતો માલ મોંઘો બનાવે છે. તે જ રીતે, ભારતથી વિદેશમાં જતા માલ માટે પણ સારા પૈસા મળે છે, એટલે કે જેઓ દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરે છે તેમના માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. પાર્ટ્સ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડક્ટ્સ ભારતમાંથી મુખ્યત્વે નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.
કેવી રહેશે રૂપિયાની દિશા
આપણો દેશની અર્થતંત્ર એવી છે કે જેમાં આયાત વધુ અને નિકાસ ઓછી એટલે કે રૂપિયો નબળો પડતા નુકસાન વધુ અને નફો ઓછો. બજારના જાણકારનુ કહેવુ છે કે, કેલેન્ડર વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો બજારમાં રોકાણ કરેલા તેમના ડોલર પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે ડૉલરની માંગ વધી છે અને રૂપિયો તૂટ્યો છે. જાણકારોના જણાવ્યાનુસાર વર્ષના અંત સુધી રૂપિયામાં ઘટાડો ચાલુ રહી શકે છે, પરંતુ નવા વર્ષની શરૂઆતથી વિદેશી રોકાણકારોનું રોકાણ પરત આવી શકે છે અને રૂપિયામાં રિકવરી થવાની આશા છે.
આ પણ વાંચોઃ