Maharashtra: મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની (Ganpati festival) ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં બાપ્પાની આગતા સ્વાગતા અને વિસર્જન ભવ્ય રીતે કરવામાં આવે છે. ત્યારે ગણેશ ઉત્સવના આ અવસર પર મુંબઈમાં મિલકતની જંગી ખરીદી નોંધાઈ છે અને ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડી દીધો છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલી મિલકતની આ ખરીદીથી મહારાષ્ટ્ર સરકારને પણ તગડી કમાણી થઈ છે. સ્ટેમ્પ ડ્યુટીમાંથી સરકારે સપ્ટેમ્બર મહિનામાં રૂ. 1,124 કરોડની આવક મેળવી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે સપ્ટેમ્બર મહિનો મિલકતના રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનની દ્રષ્ટિએ ખુબ જ સારો રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીમાં 23 ટકા વધુ મિલકતનું બુકિંગ કરવામાં આવ્યુ છે, જ્યારે 53 ટકાનો વધારો સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં નોંધાયો છે.
આ પણ વાંચો: Mumbai News : મુંબઈ જવુ થયું મોંઘું, MNSના વિરોધે ટોલ દરમાં વધારો કર્યો, કેટલો ખર્ચ થશે?
દેશના સૌથી મોટા અને મોંઘા પ્રોપર્ટી માર્કેટ એટલે કે મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 10,602 મિલકતની નોંધણી કરાઈ હતી. જેની પર સ્ટેમ્પ ડ્યુટીમાંથી સરકારને કુલ રૂ. 1,124 કરોડની આવક થઈ છે. આ માહિતી મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઈન્સ્પેક્ટર જનરલ (ઈન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન)ના ડેટા પરથી મળી છે.
મહારાષ્ટ્રમાં દરવર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. વર્ષના આ સૌથી મોટા તહેવારના અવસરે લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું શુભ માને છે. ત્યારે સરકારને હવે આગામી મહિનાઓમાં નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવાર આવતા હોવાથી મિલકતની ખરીદી સારી રહેશે તેવી ધારણા છે.
સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં નોંધાયેલી કુલ મિલકતોમાંથી 82 ટકા રહેણાંક અને 18 ટકા કોમર્શિયલ અને અન્ય કેટેગરીની મિલકતો હતી. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે જણાવ્યું કે મુંબઈના રેસિડેન્શિયલ માર્કેટમાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સેગમેન્ટ 10,000 પ્રોપર્ટીના આંકને પાર કરી રહ્યું છે. 2023ના પ્રથમ 9 મહિનામાં રહેણાંક મિલકત બુકિંગની એક મહિનાની સરેરાશ 10,433 યુનિટ રહી છે. જેમાં 50 ટકાથી વધુ મિલકતોની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હતી.
1 કરોડથી વધુની પ્રોપર્ટીના વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરી-સપ્ટેમ્બર 2020માં વેચાણ 49 ટકા હતું, જે વેચાણ હવે વધીને જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023 દરમિયાન 57 ટકા પર પહોંચ્યુ છે.