DELHI : દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યાં છે. કોરોનાના પ્રભાવમાંથી દેશનું અર્થતંત્ર બહાર આવી રહ્યું છે રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું છે. ભારતનું રેટિંગ ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ માં બદલ્યું છે. દેશની આર્થિક સંસ્થાઓ પર જોખમ અનુમાન કરતા ઓછું થયું છે, જેના કારણે રેટિંગ એજન્સી મૂડીઝે (Moody’s) ભારતની સરકારની શાખ જાળવી રાખીને દેશના વિકાસના દૃષ્ટિકોણને ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ કરી દીધો છે. એજન્સીએ દૃષ્ટિકોણ સુધારવા માટે અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થામાં મંદીના જોખમમાં ઘટાડાને ટાંક્યો હતો. મૂડીઝે હજુ પણ ભારતની સાર્વભૌમ રેટિંગને ‘BAA3’ તરીકે આંકલન કર્યું છે, જે રોકાણનો સૌથી ઓછો ગ્રેડ છે.
મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારની શાખ અંગેના અમારા દૃષ્ટિકોણને નકારાત્મકથી સ્થિર સુધી સુધાર્યા છે. આ સાથે દેશનું વિદેશી હુંડીયામણ અને લાંબા ગાળાના ઇશ્યુઅર રેટિંગ અને સ્થાનિક ચલણનું રેટિંગ BAA3 પર જાળવી રાખવામાં આવ્યું છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, “સુધારેલી મૂડી અને પ્રવાહિતાની સ્થિતિ સાથે, બેન્કો અને નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થાઓના સ્તરે જોખમો અગાઉના અંદાજની સરખામણીમાં ઘટાડવામાં આવ્યા છે. દેવાના બોજ અને નબળી સર્વિસિંગ સ્થિતિને કારણે જોખમ રહે છે. પરંતુ મૂડીઝ અપેક્ષા રાખે છે કે આગામી કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની રાજકોષીય ખાધને ધીમે ધીમે ઘટાડવામાં આર્થિક વાતાવરણ મદદરૂપ થશે. આ સરકારની શાખને વધુ બગડતી અટકાવશે.
ગયા મંગળવારે નાણાં મંત્રાલયના અધિકારીઓ અને રેટિંગ એજન્સી મૂડીઝના પ્રતિનિધિઓએ આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન ભારતીય અધિકારીઓએ ભારતનું રેટિંગ સુધારવાની ભલામણ કરી હતી. આ બેઠકમાં મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ અને આર્થિક બાબતોના વિભાગના અધિકારીઓ અને મૂડીઝ વિશ્લેષકો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન નાણાં મંત્રાલયના અધિકારીઓએ જૂન 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઝડપી GDP વૃદ્ધિ દરનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોષીય ખાધ અને દેવાના આંકડા પણ શેર કર્યા હતા. એપ્રિલ-જુલાઈ, 2021 દરમિયાન કેન્દ્રની રાજકોષીય ખાધ 2021-22ના નાણાકીય વર્ષ માટે અંદાજિત અંદાજના 21.3 ટકા હતી. આનું મુખ્ય કારણ બિનજરૂરી ખર્ચમાં ઘટાડો અને કર અને બિન-કર આવક વસૂલાતમાં વધારો છે. રાજકોષીય ખાધ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં વાર્ષિક લક્ષ્યના 103 ટકા સુધી પહોંચી હતી.
મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ગયા વર્ષે ભારતની સરકારી ક્રેડિટ રેટિંગને ‘BAA2’ થી ઘટાડીને ‘BAA3’ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે નીચા વિકાસ દરને જાળવી રાખવા અને કથળતી રાજકોષીય સ્થિતિના જોખમોને ઘટાડવા નીતિઓના અમલીકરણમાં પડકારો રહેશે. મૂડીઝે વૃદ્ધિનો અંદાજ નેગેટિવ રાખ્યો હતો.
આ પણ વાંચો : GU-DRDO વચ્ચે MOU થયા : હવે ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના થશે
આ પણ વાંચો : કીડની આપો અને 4 કરોડ મેળવો!, હોસ્પિટલના નામે છેતરપિંડીના કેસમાં વધુ એક નાઇઝેરિયન નાગરિકની ધરપકડ