MONEY9: 15 હજારનો પગાર છે અને PF કપાય છે ? તો મફતમાં મળે છે 7 લાખનો વીમો

|

Mar 22, 2022 | 7:00 PM

જો તમારી કંપની તમારો પીએફ કાપતી હોય તો, તમને મળી શકે છે 7 લાખ રૂપિયાનું વીમા કવચ. જો તમારો પગાર માસિક રૂપિયા 15 હજાર સુધીનો હોય અને દર મહિને તમારા પગારમાંથી પીએફ કપાતું હોય તો તમે 7 લાખના વીમા માટે લાયક છો.

સુરતની એક ફેક્ટરીમાં કામ કરતા મહેશને કોરોનાની પહેલી લહેર ભરખી (DEATH) ગઈ. તેના થોડાક દિવસો પછી તેની પત્ની બંને બાળકોને લઈને બિહારના સહરસામાં તેમના ગામડે જતી રહી. ગામના માસ્તરજી પાસેથી તેને જાણવા મળ્યું કે, મહેશનો તો પીએફ (PF) કપાતો હતો, એટલે સાત લાખ રૂપિયાનો વીમો (INSURANCE) મળવાપાત્ર છે.

હવે, મહેશની પત્નીએ આ વીમો મેળવવા માટે શું કરવું, તે સમજાતું નથી. આ કહાણી માત્ર મહેશની નથી. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં અનેક લોકો માટે પીએફ સાથે જોડાયેલી ઘણી યોજનાઓ છે, પરંતુ આવા લોકો પાસે તેની કોઈ માહિતી જ નથી. આ યોજનાઓમાં મુખ્ય યોજના છે કર્મચારી ડિપોઝિટ લિન્ક્ડ સ્કીમ એટલે કે, EDLI. આ યોજના હેઠળ, કર્મચારીનું મૃત્યુ નોકરીના કાર્યકાળ દરમિયાન થઈ જાય તો, તેના નોમિનીને સાત લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ મળે છે.

મફતમાં મળે છે વીમો
મહત્વની વાત તો એ છે કે, આ વીમા માટે કર્મચારીએ એક પણ રૂપિયાનું પ્રીમિયમ નથી ભરવું પડતું. જેટલા પણ કર્મચારીઓનો પીએફ કપાતો હોય, તેમણે તેમના પરિવારને EDLI અંગે માહિતગાર કરવા જ જોઈએ, અને તેમને જણાવવું જોઈએ કે આ સ્કીમ આખરે શું છે, જેથી મહેશના પરિવારની જે હાલત થઈ તેવી પરિસ્થિતિનો સામનો તમારા પરિવારે ન કરવો પડે. ઘણી વખત એવું પણ થાય છે કે, કર્મચારી પાસે જ માહિતી ન હોવાથી તે નોમિનીનું નામ નોંધાવતા નથી. જો આવું થાય તોપણ વીમાની રકમ માટે કાયદેસરનો વારસદાર દાવો કરી શકે છે.

કેટલી રકમ કપાશે?
સામાન્ય રીતે જોઈએ તો, જેટલા પણ લોકોને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેમને માત્ર પીએફ અને પેન્શન સ્કીમની જાણકારી હોય છે. આની સાથે સાથે, EDLI સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવર પણ મળે છે. તેના માટે કર્મચારીએ કોઈ પૈસા આપવાની જરૂર નથી. તેના માટે કંપનીએ કર્મચારીના મૂળ પગાર એટલે કે બેઝિક વત્તા ડીએનો 0.5 ટકા હિસ્સો જમા કરવાનો હોય છે. પરંતુ તેના માટે મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા છે.

કેટલી મળશે રકમ?
જો કોઈ કર્મચારીનું મૃત્યુ નોકરીના કાર્યકાળ દરમિયાન થાય તો, તેના નોમિનીને છેલ્લાં 12 મહિનાના સરેરાશ પગારની 30 ગણી રકમ અઢી લાખ રૂપિયાનું બોનસ ઉમેરીને ચૂકવવામાં આવે છે. વીમાની ગણતરી માટે બેઝિક પગારની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા ફિક્સ્ડ કરવામાં આવી છે જ્યારે વીમાની મહત્તમ રકમ 7 લાખ રૂપિયા છે. ઉદાહરણ તરીકે, મહેશનો માસિક બેઝિક પગાર 15,000 રૂપિયા હતો. આ પ્રમાણે, 30 ગુણ્યા 15,000 એટલે સાડા ચાર લાખ રૂપિયા થાય. હવે, તેમાં અઢી લાખ રૂપિયાનું બોનસ ઉમેરીએ તો, વીમાની કુલ રકમ થાય 7 લાખ રૂપિયા. આમ, મહેશની પત્નીને વીમા પેટે 7 લાખ રૂપિયા મળવા જોઈએ.

કોણ ક્લેમ કરી શકે
જો કોઈ કર્મચારીનું મૃત્યુ કોઈ બીમારી, દુર્ઘટના કે સ્વાભાવિક રીતે થાય છે, તો તેનો નોમિની EDLI માટે ક્લેમ કરી શકે છે. જો કર્મચારીએ મૃત્યુ પહેલાં ઓછામાં ઓછા 12 મહિના નોકરી કરી હશે, તો જ વીમાનો લાભ મળશે. જો કર્મચારીએ કોઈ નોમિનીની નિમણૂક નહીં કરી હોય તો, તેના જીવનસાથી અને બાળકોને આ લાભ મળશે. ક્લેમ કરવા માટે ઈપીએફઓની પ્રાદેશિક કચેરીમાં ફૉર્મ-5 IF જમા કરવું પડે છે, જેના પર કંપનીના સહી-સિક્કા હોવા જરૂરી છે. આમ, ઔપચારિકતા પૂરી થઈ જાય એટલે, વીમાની રકમ મળી જાય છે.

મની નાઈનની સલાહ
જો તમારો પીએફ કપાતો હોય તો, તમારા UANની માહિતી તમારા પરિવારને આપો. જો પીએફ ખાતામાં હજુ સુધી નોમિનીની નિમણૂક ન કરી હોય તો, આ કામ તાત્કાલિક પૂરું કરો. લગ્ન થઈ ગયા પછી જીવનસાથીને નોમિની બનાવો. તેમની સાથે નિયમિત સમયે EPS અને EDLI અંગે ચર્ચા કરો.

આ પણ જુઓ

શું તમારો વીમો પર્યાપ્ત છે? કેવી રીતે કરશો ગણતરી?

આ પણ જુઓ

બોજારૂપ વીમા પૉલિસીથી કેવી રીતે મેળવશો મુક્તિ?

Next Video