હાલ દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાંથી કોઈ રાહત મળવાની આશા દેખાઈ રહી નથી. ગેસ કંપનીઓએ દેશને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(Domestic LPG Gas Cylinder) ની કિંમતોમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે. જો તમે આજે તમારા માટે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચૂકવવા પડશે.
જો તમે આ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજીના ભાવમાં થયેલા ફેરફારની વાત કરશો તો આંકડા જાણીને તમને આશ્ચર્ય થશે. આ વર્ષે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર 6 ઓક્ટોબર 2021થી 21 માર્ચ 2022 સુધી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર હતી.
22 માર્ચ 2022ના રોજ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને તેની કિંમત 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગઈ. પરંતુ મોંઘવારી અહીં અટકી નહીં અને 7 મે, 2022ના રોજ ફરી એકવાર ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ ઘરેલુ ગેસના ભાવ રૂ. 949.50 થી વધીને રૂ. 999.50 થઇ ગયા હતા.
7 મેના આ વધારાના થોડા દિવસો બાદ એટલે કે 19 મેના રોજ ફરી એકવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે સિલિન્ડર પર 3.50 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 999.50 થી વધીને 1003 રૂપિયા થઈ ગઈ છે. અને પછી આજે એટલે કે 6 જુલાઈ 2022ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત હવે 1053 રૂપિયા થઈ ગઈ છે.
14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આ વધારા બાદ આજે એટલે કે 6 જુલાઈ, 2022ના રોજ તેની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079, મુંબઈમાં 1052.50 અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે.
Published On - 9:40 am, Wed, 6 July 22