એલપીજી સિલિન્ડર(lpg cylinder) ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું નામ ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી(digital lpg portability) છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.
સરકારની આ યોજના પ્રથમ તબક્કામાં ચંદીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પૂણે અને રાંચીમાં શરૂ થશે, ધીરે ધીરે તે અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.
વિતરકોમાં હરીફાઈથી સેવાની ગુણવત્તા વધશે
ગ્રાહકો એલપીજી રિફિલ ડિલિવરી મેળવવા માટે તેમના ક્ષેત્ર માટે જારી યાદીમાંથી કોઈપણ વિતરકની પસંદગી કરી શકે છે. આ સેવા માત્ર ગ્રાહકોને સરળતા નહીં પરંતુ વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને તેમની પાસેથી સારા રેટિંગ્સ મેળવવા માટે વિતરકોમાં હરીફાઈની ભાવનાનો વિકાસ કરશે.
ઓનલાઇન પેમેન્ટ થશે
એલપીજી ગ્રાહકો UMANG એપ્લિકેશન અથવા ભારત બિલ પે સિસ્ટમ દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સંસદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકને પોસાય તેવી ઉર્જાની પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક વિઝન નક્કી કર્યું છે. સરકારે હવે ગ્રાહકોને તેમના પસંદ અનુસાર સિલિન્ડર બુક કરવા માટે વિતરક પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એલપીજી ગ્રાહકો પોતાની મરજીથી કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એલપીજી રિફિલ કરી શકશે. હાલમાં, આ સુવિધા માત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. એક વખત પ્રોજેક્ટ સફળ થયા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.