આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં સતત વધારા વચ્ચે બુધવારે એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF – Aviation Turbine Fuel) ના ભાવમાં 5.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દેશમાં જેટ ફ્યુઅલના (Jet Fuel) ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં દેશમાં ચોથી વખત જેટ ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જેટ ઈંધણની કિંમત હવે 4,481.63 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 5.2 ટકા વધીને 90,519.79 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.
જણાવી દઈએ કે આ એટીએફનું સર્વોચ્ચ સ્તર છે. ઓગસ્ટ 2008માં, એટીએફની કિંમત 71,028.26 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, તે સમયે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 147 ડોલર સુધી પહોંચી ગઈ હતી. જે બાદ હવે જેટ ફ્યુઅલની કિંમત 90,519.79 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જ્યારે હાલમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓગસ્ટ 2008 કરતા ઘણા ઓછા છે.
જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 105માં દિવસે સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર, 2021ના રોજ થયો હતો. ત્યારથી અત્યાર સુધી દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. બુધવાર, 16 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 93.18 ડોલર પ્રતિ બેરલ હતી.
જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે. તો બીજી તરફ 105 દિવસથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.