શેરબજાર(Share Market)માં રેકોર્ડ તેજી વચ્ચે વોડાફોન આઈડિયા(Vodafone Idea Ltd)ના શેરમાં ચાલુ સપ્તાહે બમ્પર તેજી નોંધાઈ છે. વોડાફોન આઈડિયાનો શેર ગુરુવારે 18 ટકાના વધારા સાથે બંધ થયો હતો.છેલ્લા ૫ સત્રમાં શેર ૨૧ ટકા વધ્યો છે. હકીકતમાં કુમારમંગલમ બિરલા ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી છે ત્યારબાદ કંપનીના શેરમાં વધારો નોંધાયો છે. બિરલાએ એક મહિના પહેલા વોડાફોન આઈડિયાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.
ટેલિકોમ મંત્રી અને કુમાર મંગલમ બિરલાની બેઠક એવા સમયે આવી છે જ્યારે સરકાર કટોકટીગ્રસ્ત ક્ષેત્ર માટે રાહતનાં પગલાં પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે જ્યારે બિરલા વૈષ્ણવને મળ્યા ત્યારે તેમણે ટેલિકોમ સેક્ટરના પડકારો વિશે જણાવ્યું હતું. તેઓએ સાથે મળીને વોડાફોન આઈડિયાને બચાવવા માટે સરકારી મદદની અપીલ કરી છે. વોડાફોન આઈડિયાના 27 કરોડ યુઝર્સ છે. હાલમાં આ મીટિંગની આ વપરાશકર્તાઓની સેવા પર કોઈ અસર થાય તેવું લાગતું નથી.
કંપની સરકારને સોંપવાની રજુઆત
4 ઓગસ્ટના રોજ, વોડાફોન આઈડિયાના બોર્ડે ચેરમેન પદે કુમાર મંગલમ બિરલાનું રાજીનામું મંજૂર કર્યું હતું. કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપતી વખતે બિરલાએ કેબિનેટ સચિવને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ વોડાફોન આઈડિયાની કામગીરી સરકારને સોંપવા માગે છે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં અમે આ કંપનીને કાર્યરત રાખી શકીશું નહીં તેથી સરકારે હવે તેનું સંચાલન હાથમાં લેવું જોઈએ.
1.80 લાખ કરોડનું દેવું
7 જૂને કુમાર મંગલમ બિરલાએ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને પત્ર લખ્યો હતો.આ પાત્રમાં તેમણે કહ્યું કે 27 કરોડ યુઝર્સ પ્રત્યે અમારી નૈતિક જવાબદારી છે અને તેથી જ અમે વોડાફોન આઈડિયાનું સંચાલન કોઈપણ સરકારી કંપનીને સોંપવા માંગીએ છીએ. આ સિવાય તેમણે AGR ના લેણાં અંગે સરકાર પાસે ખુલાસો પણ માંગ્યો છે. આ સિવાય કંપની પર હજારો કરોડનું દેવું અને હજારો કરોડનું સ્પેક્ટ્રમ ચાર્જ છે. એકંદરે વોડાફોન આઈડિયાની જવાબદારી લગભગ 1.80 લાખ કરોડ છે. બિરલાએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારી મદદ વગર આ કંપની ચલાવવી મુશ્કેલ છે.
બજાર એક પછીએ એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે
અહીં શેરબજાર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સ 514 પોઈન્ટના ઉછાળા સાથે 57,852 ના ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 158 પોઈન્ટના વધારા સાથે 17234 ના નવા રેકોર્ડ પર બંધ થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ આજની તેજીમાં મોટો ફાળો આપ્યો છે.
આ પણ વાંચો : ફરી એકવાર Gautam Adani એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે Mukesh Ambani ને પણ પાછળ છોડી દીધા
Published On - 8:26 am, Fri, 3 September 21