સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ડિફેન્સ સેક્ટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ(Defence Sector Stocks) તેજી દર્શાવી રહી છે. દિગ્ગજ મલ્ટીબેગર કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ(Hindustan Aeronautics Ltd)નો સ્ટોક સતત વધી રહ્યો છે અને સોમવારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોક તેની નવી જીવનકાળની ટોચે પહોંચી ગયો હતો. તો આ સિવાય ભારત ડાયનેમિક્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને મઝાગોન ડોકના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી અને આ કંપનીઓના શેર પણ નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યા છે.સંરક્ષણ ક્ષેત્રની મલ્ટીબેગર કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL)નો શેર સોમવારના ટ્રેડિંગ સેશનમાં રૂ. 3326 પર પહોંચ્યો હતો જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા એક મહિનામાં HALના શેરમાં 11.40 ટકાનો વધારો થયો છે. શેરે 3 મહિનામાં 22 ટકા, 6 મહિનામાં 18 ટકા અને એક વર્ષમાં 73 ટકા વળતર આપ્યું છે. જ્યારે કોરોનાની પ્રથમ લહેરથી લઈને અત્યાર સુધી શેરે 3 વર્ષમાં 420 ટકાનું વળતર આપ્યું છે.
ભારત ડાયનેમિક્સના શેરમાં પણ જોરદાર તેજી છે. શેર આજના સત્રમાં રૂ. 1164.50ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. BDL એ તેના શેરધારકોને એક મહિનામાં 14%, 3 મહિનામાં 22%, એક વર્ષમાં 45.53% અને બે વર્ષમાં 217% નું ઉત્તમ વળતર આપ્યું છે. ભારત ડાયનામિક્સે 3 વર્ષમાં 377% નું શાનદાર મલ્ટિબેગર વળતર આપ્યું છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોક પણ 118.65 રૂપિયાના જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. BEL એ એક મહિનામાં 10%, 3 મહિનામાં 21%, એક વર્ષમાં 44% અને 3 વર્ષમાં 372% વળતર આપ્યું છે. મઝાગોન ડોક શેરનો સ્ટોક પણ આજના સત્રમાં તેની ઐતિહાસિક ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. મઝાગોન ડોક રૂ.1006ની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. તે જ સમયે, શેરે રોકાણકારોને એક મહિનામાં 27%, 3 મહિનામાં 36%, 1 વર્ષમાં 247% અને 2 વર્ષમાં 334% વળતર આપ્યું છે.
ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રે આયાત પરની નિર્ભરતાને સમાપ્ત કરવા માંગે છે. સરકારે ઘણા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અને દેશમાં જ ઉત્પાદન માટે નિયમ બનાવ્યો છે. આવી સ્થિતિમાં, સરકારથી લઈને ખાનગી સંરક્ષણ કંપનીઓને સરકાર તરફથી સતત નવા ઓર્ડર મળી રહ્યા છે. જેના કારણે આ કંપનીઓ દેશ માટે માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ નિકાસ પર પણ ધ્યાન આપી રહી છે. સ્થાનિક સંરક્ષણ કંપનીઓને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની અસર કંપનીઓના શેર પર દેખાઈ રહી છે.
Published On - 8:59 am, Tue, 6 June 23