આઈસીઆઈસીઆઈ બેંકે (ICICI Bank) માર્ચ ક્વાર્ટર (Q4 Result) ના પરિણામો જાહેર કર્યા છે. બેંકે માહિતી આપી છે કે ક્વાર્ટર દરમિયાન બેંકનો નફો (Profit) ગત વર્ષની સરખામણીમાં 59.4 ટકાના વધારા સાથે 7018 કરોડ રૂપિયા થયો છે. તે જ સમયે, ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની વ્યાજની ચોખ્ખી આવક 20.8 ટકા વધીને 12,605 કરોડ રૂપિયા થઈ છે. મનીકંટ્રોલે માહિતી આપી છે કે આ બંને આંકડા બજારના અંદાજ કરતા સારા છે. પરિણામોની સાથે બેંકે શેર દીઠ 5 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બેંકના જણાવ્યા અનુસાર પ્રોવિઝનમાં ઘટાડો થવાને કારણે નફામાં ઉછાળો જોવા મળ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે.
બેંકે માહિતી આપી છે કે તેની એસેટ ક્વાલિટીમાં સુધારો થયો છે અને તેના ગ્રોસ અને નેટ એનપીએમાં ગયા વર્ષ અને છેલ્લા ક્વાર્ટરની તુલનામાં ઘટાડો નોંધાયો છે. 31 માર્ચના રોજ બેંકનો ગ્રોસ એનપીએ રેશિયો 3.6 ટકાના સ્તરે હતો. ગ્રોસ એનપીએ અગાઉના ક્વાર્ટરમાં 4.13 ટકા અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 4.96 ટકા હતી. માર્ચના અંતમાં નેટ એનપીએ રેશિયો સુધરીને 0.76 ટકા થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 0.85 ટકા અને એક વર્ષ અગાઉ 1.14 ટકા હતો.
બેંકે માહિતી આપી હતી કે માર્ચ ક્વાર્ટરમાં નફામાં ઉછાળો બેંકના પ્રોવિઝનમાં ઘટાડો થવાને કારણે છે. આંકડાં અનુસાર, ગત વર્ષની સરખામણીમાં પ્રોવિઝન 63 ટકાના ઘટાડા સાથે 1069 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. બેંકના જણાવ્યા અનુસાર, લોન પોર્ટફોલિયોમાં 17 ટકાની તીવ્ર વૃદ્ધિએ વ્યાજની ચોખ્ખી આવક વધારવામાં મદદ કરી છે. નોન-ઈન્ટ્રેસ્ટ સેગમેન્ટની આવક ગયા વર્ષની તુલનામાં 11 ટકા વધીને 4608 કરોડ રૂપિયા થઈ છે. ચાર્જીસ દ્વારા, ICICI બેંકે ત્રિમાસિક ગાળા દરમિયાન 4366 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ત્રિમાસિક ગાળામાં બેન્કનું ચોખ્ખું વ્યાજ માર્જિન 4 ટકા પર પહોંચી ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 3.84 ટકા અને અગાઉના ક્વાર્ટરમાં 3.96 ટકા હતું.
આ પણ વાંચો : ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ