
ICICI બેંકે તહેવારોની સીઝન પૂરી થતા પહેલા પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. ICICI બેંકે પોતાની સ્પેશિયલ સીનિયર સિટીઝન એફડી સ્કીમ ગોલ્ડન ઇયર્સ FD પર મળવા પાત્ર વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકે આ યોજનામાં મળતા વ્યાજમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ICICI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બેંકની ગોલ્ડન યર FDમાં રોકાણ કરનારા વરિષ્ઠ નાગરિકોને બેંક દ્વારા વાર્ષિક 0.50 ટકાના વધારાના દરે 0.20 ટકા વધુ વ્યાજ આપવામાં આવશે.
જણાવી દઈએ કે અગાઉ ICICI બેંક ગોલ્ડન ઈયર્સ FD માટે વધારાનો વ્યાજ દર વાર્ષિક 0.10 ટકા હતો. વધેલા વ્યાજ દર આજથી લાગુ થઈ ગયા છે. વ્યાજ દરમાં ફેરફાર બાદ વરિષ્ઠ નાગરિકોને ગોલ્ડન યર એફડી સ્કીમ હેઠળ 6.95% વ્યાજ મળશે. આ વ્યાજ 5 થી 10 વર્ષની મુદત માટે 2 કરોડ રૂપિયા સુધીની FD પર આપવામાં આવે છે.
આઈસીઆઈસીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, બેંકે વિશેષ એફડી યોજનાને 7 એપ્રિલ 2023 સુધી લંબાવી છે. અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 હતી. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે બેંકે FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં જ બેંકે FDના વ્યાજ દરમાં 50 બેઝિક પોઈન્ટનો વધારો કર્યો હતો.
આ યોજનામાં રોકાણ કરનારા વરિષ્ઠ નાગરિકોને પાકતી મુદત પહેલા જ FDમાંથી તેમના પૈસા ઉપાડવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. બેંક આ માટે રોકાણ કરેલી રકમમાં 1.10 ટકાનો ઘટાડો કરશે. તેની સાથે પ્રી-મેચ્યોરિટીના તમામ નિયમો તેના પર લાગુ થશે. ICICI બેંક દ્વારા મે 2020 માં શરૂ કરાયેલ ગોલ્ડન યર્સ FD સ્કીમ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ ઘણી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોએ FD સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે.