MONEY9: હોમ ઇન્સ્યૉરન્સ લેવો કેમ જરૂરી છે ?

|

Jun 07, 2022 | 3:13 PM

હોમ ઇન્સ્યોરન્સ ઘર માટે એક સુરક્ષા કવચ જેવું છે. ઘરને આગ, ભૂકંપ, પૂર કે વીજળી પડવા જેવી કુદરતી આપત્તિઓ કે પછી ચોરી, લૂંટ કે કોમી હુલ્લડ જેવી ઘટનાઓથી નુકસાન થવાની શક્યતા રહે છે.

MONEY9: પોતાનું ઘર (HOME) ખરીદવું દરેકનું સપનું હોય છે. મોટાભાગે જ્યારે આપણે બહાર જઇએ ત્યારે ઘરને ફક્ત તાળુ મારીને જવામાં જોખમ લાગતું હોય છે. ઘણીવાર પડોશીઓને ઘરનું ધ્યાન રાખવાનું પણ કહીએ છીએ. કારણ કે પોતાની ગેરહાજરીમાં ઘરમાં ચોરી કે અપ્રિય ઘટના બનવાનો ડર હંમેશા સતાવતો હોય છે. આવામાં હોમ ઇન્સ્યોરન્સ (HOUSE INSURANCE) તમારા ઘરને સુરક્ષિત રાખીને તમને ટેન્શન ફ્રી રાખવામાં મદદરૂપ થાય છે.

હોમ ઇન્સ્યોરન્સ ઘર માટે એક સુરક્ષા કવચ જેવું છે. આ વીમો ઘર કે ઘરમાં રાખેલા સામાનને નુકસાન થવાના સંજોગોમાં તમારા નાણાકીય ઝટકાને ઘટાડે છે. ઘરને આગ, ભૂકંપ, પૂર કે વીજળી પડવા જેવી કુદરતી આપત્તિઓ કે પછી ચોરી, લૂંટ કે કોમી હુલ્લડ જેવી ઘટનાઓથી નુકસાન થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં વીમા કંપની તમારા નુકસાનની ભરપાઇ કરશે.

સામાન્ય રીતે હોમ ઇન્શ્યોરન્સ બે પ્રકારના હોય છે. પહેલો ઘરનો ઇન્સ્યોરન્સ અને બીજો ઘરમાં રહેલા સામાનનો ઇન્સ્યોરન્સ. ઘરમાં રાખેલા સામાનના ઇન્સ્યોરન્સમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, ફર્નીચર, ઘરેણાં અને અન્ય કિંમતી સામાન કવર થાય છે. આને કન્ટેન્ટ ઇન્સ્યોરન્સ કહે છે. તો બીજી તરફના વીમામાં ઘર એટલે કે ઇમારતને થતા નુકસાનને કવર કરવામાં આવે છે. આને સ્ટ્રક્ચર ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્સ્યૉરન્સનો પણ વિકલ્પ છે. જેમાં ઘર અને સામાન બન્નેનું વીમા કવર મળે છે.

પૉલિસી બજાર ડોટ કોમના જનરલ ઇન્સ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસર તરુણ માથુર જણાવે છે કે હાલના સમયમાં મોસમના મિજાજનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આવા સંજોગોમાં ઘર માટે યોગ્ય કવર લેવું સાચો નિર્ણય સાબિત થઇ શકે છે. લોકેશનને ધ્યાનમાં રાખીને વીમો લો. સ્ટ્રક્ચર પૉલિસી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી ઘરમાં રાખેલા સામાનનો વીમો લેવાનું છે. ઘણી પૉલિસીમાં કુદરતી આપત્તિઓ અને અન્ય કારણો ઉપરાંત આતંકી ઘટનાઓથી થતા નુકસાનનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં હોમ ઇન્સ્યૉરન્સનો મતલબ મુશ્કેલ સમયમાં તમારી મુડીને સુરક્ષિત રાખવાનો છે.

ઘર ખરીદવું જીવનના સૌથી મોટા ખર્ચાઓ પૈકી એક છે. ત્યારે આ રોકાણને સુરક્ષિત રાખવું પણ જરૂરી છે. ક્યારેક બેંકો પણ હોમ લોનની સાથે હોમ ઇન્સ્યૉરન્સ લેવાનું દબાણ કરે છે. બેંકો કહેતી હોય છે કે ઇન્સ્યોરન્સ ના લીધો તો લોન નહીં મળે. જો કે હોમ ઇન્સ્યોરન્સ લેવો અનિવાર્ય નથી. કારણ કે ન તો કાયદા દ્વારા કે ન તો આરબીઆઇ, ઇરડા જેવા નિયામકો દ્વારા તેને અનિવાર્ય બનાવાયું છે.

તરુણ માથુર જણાવે છે કે 1 કે તેથી વધુ વર્ષો માટે હોમ ઇન્સ્યૉરન્સ ખરીદી શકો છો. ઘર ખરીદતી વખતે તમને લાંબાગાળાનો વીમો ખરીદવાની પણ સલાહ આપવામાં આવે છે. સ્ટ્રાક્ચર એટલે કે પાયા માટે 1 થી 30 વર્ષ, સામાન માટે 1 થી 5 વર્ષ અને સંયુક્ત રીતે બન્ને માટે 1 થી 5 વર્ષની પૉલિસી ખરીદી શકાય છે. હોમ ઇન્સ્યૉરન્સ પૉલિસી તમારા મકાન કે તેની સાથે જોડાયેલી વસ્તુઓને વ્યાજબી પ્રીમિયમે સુરક્ષા આપે છે. ભારત ગૃહ રક્ષા પૉલિસી એક સ્ટાન્ડર્ડ પૉલિસી છે. જુદી જુદી વીમા કંપનીઓ આ પૉલિસી ઉપલબ્ધ કરાવે છે. તેમાં ઘર અને સામાન એમ બન્ને કવર થાય છે.  

Next Video