કંપનીએ ઉંચા પ્રીમિયમ સાથે ટ્વીટર (Twitter) ખરીદવાની એલોન મસ્કની (Elon Musk) ઓફર સ્વીકારી લેતા હવે આ ડીલથી કોને ફાયદો થશે તેની ગણતરી શરૂ થઈ ગઈ છે. એલોન મસ્કે ટ્વિટર સાથે 44 બિલિયન ડોલરની જંગી રકમ સાથે આ ડીલ કરી છે. આ સોદો રોકડમાં થશે. મસ્કે સ્ટોક (Elon Musk) માટે 54.2 ડોલરની ઓફર કરી હતી, જે તે સમયે સ્ટોકની બજાર કિંમતના 30 ટકા કરતાં વધુ પ્રીમિયમ પર હતી. હાલમાં સ્ટોક 52 ડોલર પર પહોંચી ગયો છે. એટલે કે માત્ર થોડા જ દિવસોમાં શેરધારકોની સંપત્તિમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે ટ્વિટરના મોટા શેરધારકોને આ ડીલથી કેટલો ફાયદો થશે.
ટ્વીટરના સહ-સ્થાપક જેક ડોર્સીને ઓફર કરેલા શેરની કિંમતના આધારે આ સોદો લગભગ 98 કરોડ ડોલર મેળવશે. આ રકમ લગભગ 7,500 કરોડ રૂપિયા જેટલી છે. ડોર્સી હાલમાં 1.8 કરોડ શેર ધરાવે છે, જે કુલ શેરના 2.4 ટકા છે. તે જ સમયે ટ્વીટરના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન ઓમિદ કોડેસ્તાની પાસે 9 લાખથી વધુ શેર છે, જેની કિંમત 50 કરોડ ડોલર હોઈ શકે છે. જે 382 કરોડ રૂપિયા બરાબર છે. જો કંપનીના મોટા શેરધારકોની વાત કરીએ તો વેનગાર્ડ ગ્રુપ પાસે 10 ટકા શેર છે. જે મસ્કની ઓફરના આધારે 450 કરોડ ડોલરની બરાબર છે. તે જ સમયે મોર્ગન સ્ટેનલી પાસે 350 કરોડ ડોલર બરાબર શેર છે. બ્લેકરોક પાસે 200 કરોડ ડોલર મુલ્યના શેર છે.
જો મસ્ક આ ડીલ સાથે પરાગ અગ્રવાલનો કાર્યકાળ સમાપ્ત કરે છે તો પરાગ અગ્રવાલને બદલામાં મોટી રકમ મળશે. પરાગને કંપનીના શેર સેલરી પેકેજના રૂપમાં મળ્યા છે અને તેના લીધે અગ્રવાલને પણ મોટી રકમ મળશે. અહેવાલો અનુસાર જો અગ્રવાલને એક વર્ષમાં હટાવી દેવામાં આવે છે તો તેમને 3.8 કરોડ ડોલર મળશે. આ રકમ લગભગ 300 કરોડ રૂપિયા જેટલી થશે. તે જ સમયે તેમની પાસે 1.28 લાખ શેર પણ છે, જેની કિંમત 70 લાખ ડોલર એટલે કે લગભગ 53 કરોડ રૂપિયા હશે. તે જ સમયે કંપનીએ CFO નેડ સેગલ પાસે 2.5 કરોડ ડોલરની બાકી ચુકવણી અને 2.1 કરોડ ડોલરના મૂલ્યના શેર છે. એટલે કે જો તેમને સમય પહેલા હટાવવામાં આવે તો તેમને પણ 4.6 કરોડ ડોલર એટલે કે 350 કરોડ રૂપિયા મળશે.
ટ્વીટરના બોર્ડ મેમ્બર્સ પાસે પણ કંપનીના શેર છે, તેથી તેમને પણ આ ડીલનો ઘણો ફાયદો થશે. ગાર્ડિયન અનુસાર માર્થા લેન ફોક્સ પાસે 17 લાખ ડોલર, રોબર્ટ જૌલિક પાસે 11 લાખ ડોલરના શેર છે. આ સાથે કંપનીના ઘણા કર્મચારીઓને પણ શેર મળ્યા છે. કંપની તેની પોલિસી મુજબ કર્મચારીઓને પગારનો એક ભાગ સ્ટોકના રૂપમાં લેવાની ઓફર કરે છે. મીડિયામાં એક અંદાજ મુજબ કર્મચારીઓ પાસે લાખો ડોલરના સ્ટોક ઓપ્શન્સ છે. એટલે કે મસ્કની ઓફરથી ઘણા કર્મચારીઓ કરોડપતિ બની શકે છે.