
GST કાઉન્સિલની બેઠક ચાલુ છે, પાન મસાલા અને પેન્સિલ શાર્પનર પર ટેક્સ રેટમાં ફેરફારની શક્યતા છે. જેમાં એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવા અને પાન મસાલા અને ગુટખાના ધંધામાં કરચોરી અટકાવવા વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ GST કાઉન્સિલની 49મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ પણ ભાગ લઈ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 17 ડિસેમ્બર, 2022 ના રોજ કાઉન્સિલની અગાઉની બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ શકી ન હતી, તે પણ શનિવારની બેઠકના ટોચના એજન્ડામાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં કરચોરીને રોકવા માટે ઓડિશાના નાણા પ્રધાન નિરંજન પૂજારીની અધ્યક્ષતામાં ગઠિત ગૃપ ઑફ મિનિસ્ટર્સ (GoM)ના અહેવાલ પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાની અધ્યક્ષતામાં ગયા વર્ષે જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ્સ (GSTAT) પર પ્રધાનોના જૂથની રચના કરવામાં આવી હતી. આ જીઓએમએ સલાહ આપી છે કે ટ્રિબ્યુનલનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે, જેમાં કેન્દ્ર અને રાજ્યોના બે ન્યાયિક સભ્યો અને ટેકનિકલ વિભાગમાંથી એક સભ્ય હોવો જોઈએ.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ GST મુક્તિ મર્યાદા વધારવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ સમક્ષ માંગણી કરી છે. આ સાથે, રાજ્યવાર નોંધણીની જરૂરિયાતને દૂર કરવાની માગ કરવામાં આવી છે. હાલમાં, GST નેટવર્કમાં 1.4 કરોડ નોંધાયેલા કરદાતાઓ છે, જે તેને પરોક્ષ કર માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવે છે.