
સરકારે IDBI બેંકમાં લગભગ 61 ટકા ભાગ વેચાણ માટે મુક્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યવાહી પર નજર રાખી રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ શનિવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આઈડીબીઆઈ બેંકમાં સરકાર અને એલઆઈસીના ભાગને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક ખરીદનારાઓના પત્ર મળ્યા છે.
આ સાથે આ બેંકના વિનિવેશની પ્રક્રિયા હવે બીજા તબક્કામાં પહોંચી જશે. જેમાં સંભવિત બોલી લગાવનાર નાણાકીય બોલી લગાવતા પહેલા પુછપરછનું કાર્ય પૂર્ણ કરશે. સરકારની સાથે LIC પણ IDBI બેંકમાં તેનો કુલ 60.72 ટકા ભાગ વેચવાની તૈયારી કરી રહી છે. આ માટે ગયા ઓક્ટોબરમાં સંભવિત ખરીદદારો પાસેથી બોલીઓ મંગાવવામાં આવી હતી.
બોલી લગાવવાની અંતિમ તારીખ 16 ડિસેમ્બર હતી, જે પાછળથી વધારીને 7 જાન્યુઆરી કરવામાં આવી હતી. હાલમાં, સરકાર અને LIC બંને મળીને આ બેંકમાં 94.71 ટકા ભાગ ધરાવે છે. તેમાંથી, 60.72 ટકા હિસ્સાનું વેચાણ પૂર્ણ થયા બાદ, બોલી લગાવનારા શેરધારકો પાસેથી 5.28 ટકા ભાગ ખરીદવાની ઓપન ઓફર કરશે.
પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ કહ્યું હતું કે, સંભવિત ખરીદદારોની લઘુત્તમ નેટવર્થ રૂ. 22,500 કરોડ હોવી જોઈએ. આ ઉપરાંત, બોલી લગાવનાર પણ છેલ્લા ત્રણ વર્ષમાં ચોખ્ખા નફાની સ્થિતિમાં હોવો જોઈએ. 6 જાન્યુઆરી, 2023 ના રોજ, NSE પર IDBI બેંકના શેરની કિંમત 58.90 રૂપિયા હતી. જ્યારે બેંકની 52 અઠવાડિયાની ઊંચી કિંમત 61 રૂપિયા છે અને તેની 52 અઠવાડિયાની નીચી કિંમત 30.50 રૂપિયા છે.