
છેલ્લા સપ્તાહથી અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં ફુંકાયેલા તેજીના પવન વચ્ચે અદાણી સ્ટોક્સ પણ રોકેટની જેમ ઉપર જઈ રહ્યા છે. શેરોમાં વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે અને તેના કારણે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં તેમનું કદ પણ વધ્યું છે.
ગયા શુક્રવાર સુધી ગૌતમ અદાણી આ યાદીમાં 20મા સ્થાને હતા પરંતુ સોમવારથી સ્ટોકમાં ઉછાળો આવ્યા બાદ આજે બુધવારે સવારે ભારતીય સમય અનુસાર 7 વાગે તે ચાર સ્થાન ઉપર 16માં ક્રમે પહોંચ્યા છે.
ગૌતમ અદાણીની નેટવર્થની વાત કરીએ તો છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં તેમાં રૂપિયા 50,000 કરોડનો બમ્પર વધારો થયો છે. ખાસ વાત એ છે કે સોમવારે શેરબજારમાં લિસ્ટેડ ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં ભારે વધારો થયા બાદ તેમની નેટવર્થમાં અચાનક 4.41 અબજ ડોલર એટલે કે લગભગ 3,677 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આ પછી ગૌતમ અદાણીની સંપત્તિ વધીને $70.8 બિલિયન થઈ ગઈ છે અને આ આંકડા સાથે તેઓ 20મા સ્થાનેથી સીધા જ છલાંગ મારીને વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
અહીં એ વાત કરવી પણ જરૂરી છે કે ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં આટલો ઉછાળો શા માટે છે? તેની પાછળ ઘણા કારણો છે પરંતુ જો આપણે મુખ્ય કારણોનો ઉલ્લેખ કરીએ તો અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને કહ્યું હતું કે હિંડનબર્ગના અહેવાલને સંપૂર્ણ રીતે સાચો માની શકાય નહીં.અમેરિકાની સરકારની ક્લિનચીટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
ગયા વર્ષે 2022 માં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સૌથી વધુ કમાણી કરનાર અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા અને વિશ્વના તમામ અમીર લોકોને પાછળ છોડીને ટોપ-10 બિલિયોનર્સની યાદીમાં બીજા સ્થાને પહોંચ્યા હતા. વર્ષ 2023 ની શરૂઆતમાં 24 જાન્યુઆરીએ, હિંડનબર્ગે એક અહેવાલ પ્રકાશિત કર્યો અને અદાણીના શેરમાં પડતી આવી હતી. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 85 ટકાનો ઘટાડો થયો હતો. માત્ર બે મહિનામાં જ ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આ અહેવાલના ભૂકંપ બાદ ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ટોપ-3માંથી બહાર થઈ ગયા અને ટોપ-30ની નીચે પણ પહોંચી ગયા છે.
મંગળવારે પણ અદાણી સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગમાં ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો હતો જે ૧૭ ટકા સુધી ઉઠ્યો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જીનો શેર 20 ટકા વધીને રોકેટની ઝડપે ટ્રેડ થઈ બંધ થયો હતો. અન્ય તમામ શેરમાં પણ તેજી આવી હતી.
આ પણ વાંચો: ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તેજી યથાવત
બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 7:37 am, Wed, 6 December 23