છેલ્લા અઢી મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી (Indian Share Market) 14 અબજ ડોલરથી વધુનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જો આ આંકડો તમારા માટે ચોંકાવનારો છે, તો જાણી લો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 5-5 અબજ ડોલરની વેચવાલી બાદ માર્ચના શરૂઆતના 9 દિવસમાં જ 4.5 અબજ ડોલરનું રોકાણ (Investment) બહાર જઈ ચુક્યું છે. આ સ્થિતિ 2022 થી જ શરૂ થઈ છે, એવું નથી. આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો (Foreign Investors) ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે જ્યાંથી કોમોડિટીની વધુ નિકાસ થતી હોય જેથી કોમોડિટીના વધતા ભાવનો લાભ લઈ શકાય.
એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારત, તાઈવાન અને કોરિયા જેવા દેશોમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જ્યારે બ્રાઝિલ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં વિદેશી રોકાણ વધ્યું છે. આ પહેલા વિદેશી રોકાણકારોએ 2008માં પણ લગભગ 16 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે આટલા મોટા ઉપાડ પછી પણ શેરબજારમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. કારણકે, વિદેશી રોકાણકારો જે શેરો વેચી રહ્યા છે તેમાંથી મોટાભાગના શેર સ્થાનિક રોકાણકારો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની આ વ્યૂહરચનાથી તેમને ફાયદો થઈ શકે છે. સાથે જ તાજેતરમાં વિદેશી રોકાણકારો હજી પણ તેમના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને નફો કમાઈ રહ્યા છે, પરંતુ જ્યારે પણ તેઓ પાછા પ્રવેશ કરશે, ત્યારે તેમને મોંઘા વેલ્યુએશનનો સામનો કરવો પડશે. અત્યારે તો ફક્ત એમ કહી શકાય કે, વિદેશી રોકાણકારોની વિદાય અને સ્થાનિક રોકાણકારોની ખરીદીને જોઈને બજારને લગતા નિર્ણયો ન લો અને આ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્યપણે લો.