નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રવિવારે કહ્યું હતું કે ભારત વૈશ્વિક ઘટનાઓને કારણે ઊભી થતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. આ ઘટનાક્રમોમાં યુએસ સેન્ટ્રલ બેંક (US Central Bank) દ્વારા નરમ નાણાકીય વલણ પાછું ખેંચવાનો પણ સમાવેશ થાય છે. સીતારમણે રવિવારે ઉદ્યોગ સંસ્થા FICCI સાથે પોસ્ટ-બજેટ ચર્ચામાં જણાવ્યું હતું કે સરકાર વૈશ્વિક ઘટનાક્રમોથી અર્થવ્યવસ્થાને (Economy) કોઈપણ રીતે પ્રભાવિત થવા દેશે નહીં. તેમણે કોર્પોરેટ (Corporate) જગતને અર્થતંત્રમાં રિકવરીનો લાભ લેવા અને રોકાણ વધારવા હાકલ કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે હવે ટીમ ઈન્ડિયા તરીકે અમારી પાસે રિકવર થવાની તક છે. અમે એવા તબક્કે છીએ જ્યારે અર્થવ્યવસ્થાની રીકવરી સંપૂર્ણપણે સ્પષ્ટ છે.
સીતારમણે કહ્યું કે આ રિકવરીથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની જશે. આગામી નાણાકીય વર્ષમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે મહામારી પછી વિશ્વ બદલાઈ ગયું છે અને ઉદ્યોગ નેતૃત્વએ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત આ વખતે ‘બસ’માં ચઢવાનું ચૂકી ન જાય. તેમણે કહ્યું કે વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન ભારતે આવી તક ગુમાવી દીધી હતી.
સીતારમણે કહ્યું કે રિઝર્વ બેંક અને સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ પર નજર રાખી રહ્યા છે કે શું થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર સામે 2012-13 અને 2013-14માં આવેલા અગાઉના સંકટમાંથી પાઠ શીખવા મળ્યો છે. તેમણે કહ્યું કે અમે વૈશ્વિક વ્યૂહાત્મક ઘટનાક્રમો પર નજર રાખી રહ્યા છીએ. અમે ફેડરલ રિઝર્વના નિર્ણય અને સાથે જ વૈશ્વિક મોંઘવારીના દબાણને જોઈ રહ્યા છીએ. અમે આ બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
નાણામંત્રીએ કહ્યું કે તેઓ અહીં હાજર નેતૃત્વને ખાતરી આપવા માંગે છે કે અમે તૈયારીઓને કારણે અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન થવા દઈશું નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આગળ વધશે અને ટકાઉ વૃદ્ધિ નોંધાવશે. સીતારમણના જણાવ્યા અનુસાર, 2047 પહેલા આપણે વિશ્વના કેટલાક સૌથી વિકસિત દેશોમાં હોઈશું.
આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ઈન્ડિયા ઈન્કને દેશની અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવામાં મદદ કરવા કહ્યું હતું. નાણામંત્રીએ કંપનીઓને ખાનગી રોકાણ વધારવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારે તમારા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ઘણા ક્ષેત્રોમાં ખાનગી ખેલાડીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે ખાનગી ખેલાડીઓનો વારો છે. તેઓ અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે.