વીજળી વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) પર પાવર જનરેટિંગ કંપનીઓ (જેનકો)ના લેણાં ડીસેમ્બરમાં એક વર્ષ અગાઉની તુલનામાં 1.3 ટકા વધીને 1,13,227 કરોડ રૂપિયા થયા છે. ડિસેમ્બર, 2020 સુધીમાં ડિસ્કોમ્સ પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓનું લેણું 1,11,762 કરોડ રૂપિયા હતું. પેમેન્ટ રેટિફીકેશન એન્ડ એનાલીસીસ ઈન પાવર પ્રોક્યુરમેન્ટ ફોર બ્રિંગીગ ટ્રાન્સપરન્સી ઈન ઈન્વોઈસિંગ ઓફ જનરેશન પોર્ટલમાંથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે.
ડિસેમ્બર, 2021માં ડિસ્કોમ પરની કુલ બાકી રકમ પણ પાછલા મહિનાની સરખામણીએ વધી છે. નવેમ્બરમાં તે 1,13,081 કરોડ રૂપિયા હતી. પાવર ઉત્પાદકો અને ડિસ્કોમ વચ્ચે પાવર ખરીદી વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે PRAPTI પોર્ટલ મે, 2018માં શરૂ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2021 સુધીના 45 દિવસના ગ્રેસ પીરિયડ પછી પણ ડિસ્કોમ પર કુલ બાકી રકમ 1,01,436 કરોડ રૂપિયા હતી. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે 98,334 કરોડ રૂપિયા હતી. પોર્ટલના તાજેતરના ડેટા અનુસાર નવેમ્બરમાં ડિસ્કોમ્સ પર કુલ લેણું 1,00,417 કરોડ રૂપિયા હતું.
પાવર જનરેટ કરતી કંપનીઓ ડિસ્કોમને વેચાયેલી વીજળીના બિલની ચૂકવણી કરવા માટે 45 દિવસનો સમય આપે છે. ત્યારપછી આ રકમ જૂના એરિયર્સમાં આવે છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં પાવર ઉત્પાદકો દંડાત્મક વ્યાજ વસૂલ કરે છે. પાવર જનરેટ કરતી કંપનીઓને રાહત આપવા માટે કેન્દ્રએ 1 ઓગસ્ટ, 2019થી પેમેન્ટ સિક્યુરિટી સિસ્ટમ લાગુ કરી છે. આ વ્યવસ્થા હેઠળ ડિસ્કોમને પાવર સપ્લાય મેળવવા માટે ક્રેડિટ લેટર આપવો પડતો હોય છે.
કોવિડ-19 મહામારીને કારણે કેન્દ્ર સરકારે પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને પણ થોડી રાહત આપી છે. ચુકવણીમાં વિલંબ માટે ડિસ્કોમ પરના દંડના ચાર્જને માફ કરવામાં આવ્યા છે. મે, 2020માં સરકારે ડિસ્કોમ્સ માટે 90,000 કરોડ રૂપિયાની રોકડ ઈન્ફ્યુઝન યોજના રજૂ કરી હતી.
આ હેઠળ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) અને REC લિમિટેડ પાસેથી સસ્તી લોન લઈ શકે છે. બાદમાં સરકાર દ્વારા આ પેકેજને વધારીને 1.2 લાખ કરોડ રૂપિયા અને તે પછી 1.35 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું. ડેટા દર્શાવે છે કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને તમિલનાડુની વીજ વિતરણ કંપનીઓનો નિર્માતા કંપનીઓના લેણાંમાં સૌથી મોટો હિસ્સો છે.
ચૂકવણીની અવધિની સમાપ્તિ પછી ડિસેમ્બર 2021 સુધીમાં ડિસ્કોમ પર કુલ બાકી લેણું 1,01,436 કરોડ રૂપિયા હતું. આમાં સ્વતંત્ર વીજ ઉત્પાદકોનો હિસ્સો 51.18 ટકા છે. તે જ સમયે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમના જેનકોનું લેણું 23.95 ટકા છે. સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોમાંથી એકલા NTPC એ જ ડિસ્કોમ્સ પાસેથી 4,344.75 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની છે. NLC ઈન્ડિયાનું લેણું 2,772.47 કરોડ રૂપિયા છે.
ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓમાં અદાણી પાવરનું લેણું 25,141.73 કરોડ રૂપિયા, બજાજ જૂથની લલિતપુર પાવર જનરેશન કંપનીનું 4,503.45 કરોડ રૂપિયા લેણું છે. તે જ સમયે બિન-પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેમ કે સૌર અને પવન ઉર્જા કંપનીઓનું લેણું 20,318.79 કરોડ રૂપિયા છે.