વર્ષ 2021માં તુર્કીમાં (Turkey) લોકોએ ખાદ્યપદાર્થો અને ઘરગથ્થુ સામાનની કિંમતોમાં દોઢ ગણો વધારો જોયો. તે જ સમયે કઝાકિસ્તાનમાં (Kazakhstan) નવા વર્ષ સાથે સરકાર પડી અને દેશમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ એ છે કે વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી દર (inflation rate) દાયકાઓમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને સરકારો પર પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે. આખરે શું કારણ છે કે મોંઘવારીનો દર એટલો વધી ગયો છે કે સાથે જ આખી દુનિયાની સરકારો માટે તે મોટો માથાનો દુખાવો બની ગયો છે.
ફિચ રેટિંગ્સ અનુસાર વિશ્વના ઘણા દેશોમાં તેમનો મોંઘવારી દર દાયકાઓમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. યુએસમાં મોંઘવારીનો દર નવેમ્બરમાં 39 વર્ષની ટોચે પહોંચ્યો હતો. યુરોઝોનમાં મોંઘવારી દર તેની સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે.
જર્મનીનો મોંઘવારી દર 29 વર્ષની ટોચે છે. જ્યારે IMFના આંકડા મુજબ 2021માં (પ્રારંભિક અને અંદાજિત) ડેટા અનુસાર વિશ્વના 20 દેશમાં મોંઘવારીનો દર 10 ટકાથી ઉપર પહોંચી ગયો છે. અગાઉ 2020માં ડબલ ડિજિટ મોંઘવારી દર ધરાવતા દેશોની સંખ્યા 18 હતી. મહામારી પહેલા એટલે કે વર્ષ 2019માં માત્ર 13 દેશમાં ફુગાવાનો દર 10 ટકાથી વધુ હતો.
આ યાદીમાં ભારત 50માં સ્થાને છે અને અમેરિકા 68માં સ્થાને છે. જોકે અમેરિકામાં મોંઘવારી દર તેના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. વર્ષ 2021માં અમેરિકાનો મોંઘવારી દર વધીને 6.8 ટકા થઈ ગયો છે, જે 1982 પછીનું સર્વોચ્ચ સ્તર છે.
યુ.એસમાં 2021ના મધ્યથી દર મહિને મોંઘવારી દર વધી રહ્યો છે. ભારતમાં પણ મોંઘવારી દરમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે ખાદ્ય ઉત્પાદનોમાં એક હદ સુધી આત્મનિર્ભરતા, મજબૂત વિદેશી મુદ્રા ભંડાર હોવાથી મોંઘવારી દર અંકુશની બહાર જઈ રહ્યો નથી.
બીજી તરફ જે દેશો મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર છે, તેઓ મોંઘવારી સાથે ઝઝુમી રહ્યા છે. અલગ-અલગ સરકારની નીતિઓને કારણે તુર્કીનું ચલણ ઘણું તૂટ્યું છે. જેના કારણે આયાત ખૂબ મોંઘી થઈ રહી છે અને કોમોડિટીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.
કિંમતોમાં વધારાનું સૌથી મોટું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના મોંઘવારી દરના આંકડા જાહેર થયા બાદ વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિંમતોમાં આ વધારો અસ્થાયી છે અને કોરોના સંકટને કારણે મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે.
અર્થશાસ્ત્રીઓ અને બ્રોકરેજ હાઉસની વાત માનીએ તો દુનિયાભરમાં કોરોનાને કારણે માંગ અને પુરવઠાનું ગણિત સાવ બગડી ગયું છે. માંગની અનિશ્ચિતતા અને મજૂરોની અછતને કારણે ઘણા ક્ષેત્રોમાં કંપનીઓ અને દેશોએ તેમના ઉત્પાદનને મર્યાદિત કરી દીધું છે, જેમાં ધાતુઓ અને ક્રૂડ ઓઈલ જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ધાતુ ઉત્પાદક દેશોમાં મહત્વપૂર્ણ, ચીન અને ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ OPEC પ્લસ બંનેએ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને ધીમે ધીમે ઉત્પાદન વધારવાની વાત કરી રહી છે. જો કે બીજી તરફ કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ગ્રાહકો તરફથી માંગ દેખાવા લાગી છે. જેના કારણે કાચા માલની અછતની અસર ઉત્પાદનોના ભાવ પર જોવા મળી રહી છે.
તે જ સમયે મજૂરો અને કામદારોની અછતને કારણે પુરવઠાને પણ અસર થઈ છે. કન્ટેનરની અછતની અસર દરિયાઈ માર્ગે માલસામાનની અવરજવર પર જોવા મળી રહી છે. કન્ટેનરના લોડિંગ અને અનલોડિંગ માટે સ્ટાફના અભાવે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં પહેલા કરતા વધુ સમય લાગી રહ્યો છે.
આ સાથે ઓમિક્રોને પણ સ્થિતિ બગાડી છે. પહેલા એવી આશા હતી કે કોરોનાના નિયંત્રણ સાથે સપ્લાયમાં સુધારો થશે, પરંતુ હવે ઓમિક્રોનના કારણે ફરી એકવાર સપ્લાય પર ખરાબ અસર થવાની સંભાવના છે, જેના કારણે કિંમતો વધી રહી છે.
આ પણ વાંચો : Surat : ઇન્ડોનેશિયામાં કોલસાની નિકાસ પર પ્રતિબંધ મુકાતા સ્થાનિક ઉદ્યોગો ચિંતિત