સરકારની માલિકીની ધિરાણકર્તા કેનેરા બેંકે મોટી જાહેરાત કરી છે. કેનેરા બેંકના બોર્ડે સ્ટોક વિભાજનને મંજૂરી આપી છે. બોર્ડે આજે 26 ફેબ્રુઆરીએ બેંકના 1 શેરને 5 શેરમાં વહેંચવાની એટલે કે સ્ટોક સ્પ્લિટની મંજૂરી આપી છે. કેનેરા બેંકે કહ્યું કે સ્ટોક સ્પ્લિટ પ્રક્રિયા પૂર્ણ થવામાં 2-3 મહિના લાગી શકે છે. સોમવારે BSE પર કેનેરા બેન્કનો શેર 1.5 ટકા ઘટીને રૂ. 571.9 પર બંધ થયો હતો. હાલમાં કેનેરા બેંકના શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે, જે વિભાજન પછી રૂ.2 થઈ જશે.
BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેનેરા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 26 ફેબ્રુઆરીએ યોજાયેલી તેની બેઠકમાં 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી હતી. કેનેરા બેંકના દરેક રૂ.10 ફેસ વેલ્યુ શેરને રૂ.2 ફેસ વેલ્યુના 5 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. એટલે કે કેનેરા બેન્કના શેરધારકોના 1 શેર 5 શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ BSE પર કેનેરા બેન્કનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 571.90 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં બેંકના શેરોએ લગભગ 20 ટકા વળતર આપ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં 107.14 ટકાનો વધારો થયો છે. હાલમાં કેનેરા બેંકનું માર્કેટ કેપ 1.04 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો ચોખ્ખો નફો 27 ટકા વધીને રૂ. 3,656 કરોડ થયો છે. વધુમાં ત્રીજા ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) ₹9,417 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 9.5% વધારે છે.
સ્ટોક સ્પ્લિટ હેઠળ કંપની તેના શેરનું વિભાજન કરે છે. સામાન્ય રીતે, જ્યારે કંપનીના શેર ખૂબ મોંઘા થઈ જાય છે, ત્યારે નાના રોકાણકારો તે શેરોમાં રોકાણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં કંપની તેના શેરનું વિભાજન કરે છે. કંપની નાના રોકાણકારોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્ટોક સ્પ્લિટનો આશરો લે છે.
Published On - 11:45 pm, Mon, 26 February 24