એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુએ (Byju’s) આકાશ શૈક્ષણિક સેવાઓના સંપાદન માટે બાકી ચૂકવણીઓ પૂર્ણ કરી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. આ સાથે બાયજુએ કહ્યું કે તેણે માર્ચમાં 80 કરોડ ડોલરનું ફંડ (Fund) એકત્ર કરવાની જાહેરાત કરી હતી. આમાંથી મોટા ભાગનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. એવો અંદાજ છે કે કંપનીએ લગભગ 95 કરોડ ડોલરમાં આકાશ શૈક્ષણિક સેવાઓ હસ્તગત (Acquisition) કરી છે. બાયજુએ નિવેદનમાં જણાવ્યું હતું કે ધિરાણ એકત્ર કરવાના તેમના પ્રયાસો ટ્રેક પર છે અને 80 કરોડ ડોલરમાંથી મોટાભાગનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે, બાકીનું પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આકાશને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે અને નાણાકીય પરિણામો આગામી દસ દિવસમાં જાહેર કરવામાં આવશે.
કર્મચારીઓની છટણીના નિર્ણય અંગે કંપનીએ જણાવ્યું હતું કે અનેક અધિગ્રહણ પછી વધારાના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે અમારે અમારી સંસ્થાઓના 50,000થી વધુ કર્મચારીઓમાંથી લગભગ એક ટકા કર્મચારીની છટણી કરવી પડી હતી. તે જ સમયે, એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુ ગ્રુપના યુનિટ ટોપરે થોડા દિવસો પહેલા 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા હતા. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 36 ટકા છે. આ નિર્ણયથી પ્રભાવિત કેટલાક કર્મચારીઓએ આ માહિતી આપી છે. બીજી તરફ વ્હાઈટહેટ જુનિયરે તેના 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ બંને કંપનીઓ છેલ્લા બે વર્ષમાં બાયજુએ ખરીદી હતી.
ટોપરના બરતરફ કરાયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમને કંપની તરફથી ફોન આવ્યો હતો અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. જો આમ નહીં કરવામાં આવે તો વગર નોટીસે નોકરીમાંથી કાઢી નાખવાની વાત કહેવામાં આવી હતી. આ વર્ષે ઘણી મોટી એડટેક કંપનીઓએ ખર્ચમાં ઘટાડો કરવા માટે 5000થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
અગાઉ, ઑનલાઈન કોડિંગ પ્રદાતા વ્હાઈટહેટ જુનિયર, જે બાયજુની અન્ય પેટાકંપની છે, જે તેણે 30 કરોડ ડોલરમાં હસ્તગત કરી હતી, તેણે લગભગ 300 કર્મચારીઓની છટણી કરી હતી. એપ્રિલ-મેમાં તેના 1,000થી વધુ કર્મચારીઓએ ઓફિસ પર પાછા ફરવાનું કહેવામાં આવતા રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઈએ કે બાયજુ એજ્યુકેશન ટેક્નોલોજીમાં ખૂબ જ ઝડપથી વિસ્તરી રહી છે. એજ્યુકેશન ટેક્નોલોજી સેક્ટરમાં જેટલા સ્ટાર્ટઅપ્સ છે, કંપની તેને હસ્તગત કરી રહી છે.