વિશ્વની સૌથી મૂલ્યવાન એડટેક કંપની બાયજુએ ફરીથી 1,000થી 1,200 કર્મચારીઓની છટણી કરી છે. છટણી એવા સમયે થાય છે જ્યારે બાયજુ તેના ખર્ચ અને ખર્ચમાં ઘટાડો કરીને ઝડપથી પોતાને નફાકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કંપનીની આવકની વધારાની ગતિમાં પણ ઘટાડો થયો છે અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ફંડિગની ઉપલબ્ધતામાં પણ ઘટાડો થયો છે. મનીકંટ્રોલને બે સૂત્રોએ જણાવ્યું કે કંપની એન્જિનિયરિંગ, સેલ્સ, લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમમાંથી લોકોને છૂટા કરી રહી છે.
એન્જિનિયરિંગ ટીમમાંથી લગભગ 300 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, જ્યારે લોજિસ્ટિક્સ ટીમમાં કર્મચારીઓની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે બાયજુ હવે થર્ડ-પાર્ટીને લોજિસ્ટિક્સનું આઉટસોર્સિંગ કરી રહ્યું છે. આથી કંપનીએ તેની ઈન-હાઉસ લોજિસ્ટિક્સ ટીમમાં લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
બાયજુના કો-ફાઉન્ડર અને સીઈઓ બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને અનેક ઈન્ટરનલ મેઈલમાં ખાતરી આપી હતી કે કંપની હવે વધુ છટણી નહીં કરે કારણ કે તેણે ઓક્ટોબરમાં 5 ટકા અથવા લગભગ 2,500 કર્મચારીઓની છટણી કરી દીધી છે.
ઓક્ટોબરમાં કર્મચારીઓને મોકલવામાં આવેલા એક ઈન્ટરનેલ ઈમેલમાં રવિન્દ્રને એમ પણ કહ્યું હતું કે, “બાયજુ ભવિષ્યમાં કંપનીમાં છૂટા કરાયેલા કર્મચારીઓને પુનઃ રોજગારી આપવાને પ્રાથમિકતા આપશે કારણ કે કંપની ઘણા ફેરફારો કરી રહી છે અને આ દરમિયાન ઘણી નવી જગ્યાઓ બનાવવામાં આવશે, જેથી કંપનીઓને રિ-હાયરિંગની જરૂર પડશે.”
રસપ્રદ વાત એ છે કે કોઈ પણ કર્મચારીને ઈમેલ દ્વારા છટણી વિશે જાણ કરવામાં આવી ન હતી કારણ કે કંપનીને શંકા હતી કે ઈમેલ લીક થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓને સામાન્ય સંદેશ મોકલીને અથવા વોટ્સએપ કોલ દ્વારા ગૂગલ મીટમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યાં તેમને છટણી વિશે જાણ કરવામાં આવી હતી.
એક વ્યક્તિ જે આ છટણીનો શિકાર બન્યો છે તેણે જણાવ્યું કે તે 30 જાન્યુઆરીએ રજા પર હતો. આ દરમિયાન તેને કંપની તરફથી વોટ્સએપ કોલ આવ્યો, જેને તે ઉપાડી શક્યો નહીં. “24 કલાકની અંદર, મને ખબર પડી કે મારા ચાર સાથીદારોની છટણી કરવામાં આવી છે. પછી તે સંખ્યા છ થઈ ગઈ,”
આ પણ વાંચો : Google, Microsoft બાદ આ ટેક કંપની કરશે 3 હજાર જેટલા કર્મચારઓની છટણી, વાંચો અહેવાલ
વધુમાં કહ્યું કે બધાને વોટ્સએપ કોલ પર કાઢી મૂકવામાં આવ્યા હતા. વોટ્સએપ કોલ પર કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ, હ્યુમન રિસોર્સ ટીમના સભ્ય અને તેમની ટીમના ડાયરેક્ટર પણ સામેલ હતા. વધુમાં કહ્યું, “તેને કહેવામાં આવ્યું હતું કે તેની ટીમ કંપનીને પૂરતી આવક આપી રહી નથી, તેથી તેણે છોડવું પડશે. આ એક પ્રકારની મજાક હતી કારણ કે અમારું કામ કંપની માટે આવક પેદા કરવાનું નથી. ત્યારબાદ એચઆર ટીમ તરફથી ગૂગલ મીટની લિંક મોકલવામાં આવી હતી, જેમાં જોડાયા બાદ તેને છટણી વિશે જાણ કરવામાં આવી હતી.