
દેશનું વચગાળાનું બજેટ આવવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે લોકોને અપેક્ષા છે કે મોંઘવારીમાં ઘટાડો થાય. દેશના અલગ અલગ સેક્ટર મોદી સરકારના આ વચગાળાના બજેટથી અપેક્ષા રાખીને બેઠા છે. તમામ સેક્ટરનું માનવુ છે કે 2024 લોકસભા ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું બજેટ લોકપ્રિય બની રહેશે.
દેશના અન્ય સેક્ટરોની જેમ ઈલેક્ટ્રિક સેક્ટરને આ વચગાળાના બજેટમાં વધારે અપેક્ષા છે, જેમાં ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવી, જીએસટીમાં છુટ, લોઅર ટેક્સ સ્લેબમાં ઘટાડો મુખ્ય છે. સાથે જ ઈલેક્ટ્રિક સેક્ટરને મોબાઈલ મેન્યુફેક્ચર, ટેક્નોલોજી પ્રોડક્ય, ડ્રોન કમ્પોનન્ટ સેક્ટરમાં PLI સ્કીમને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.
દેશમાં વડાપ્રધાન મોદી સોલર ઉર્જાને પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે, તેના માટે સરકારે સૂર્યોદય યોજના શરૂ કરી છે અને સરકાર આ યોજનામાં એક કરોડ ઘરમાં સોલર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે. ત્યારે સોલર સેક્ટરને અપેક્ષા છે કે સરકાર 2024 વચગાળા બજેટમાં સોલર સેક્ટરમાં આપવામાં આવતી સબસિડીને વધારી શકે છે.
ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ ફોન કમ્પોનન્ટસ અને સબ-એસેમ્બલી પર લાગતા 2.75 ટકા ટેરિફને ખત્મ કરવાની માગ કરી છે, આઈસીઈએ મુજબ ટેરિફથી નિર્માતાઓ પર બોજ વધે છે અને ઘરેલુ ઉદ્યોગ જોખમમાં મુકાય છે.
દેશમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને ગેજેટ્સ પર લાગતા 28 ટકાના જીએસટીને ઓછો કરવાની માગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશની અંદર મોટી સંખ્યામાં લેપટોપ, મોબાઈલ અને બીજા ગેજેટ્સની માગ છે. ત્યારે જો સરકાર આ ગેજેટ્સ પર લાગતા જીએસટીને ઓછો કરે છે તો સામાન્ય લોકોને મોટી સરળતા રહેશે.