Budget 2022: કેન્દ્ર સરકાર એક કલ્યાણકારી યોજના (welfare scheme) પર કામ કરી રહી છે. જેનાથી ગરીબ અને વંચિત વર્ગો માટેની વર્તમાન યોજનાઓમાં સુધારો કરવામાં આવશે. આ સાથે આવા લોકોને લઈને વધુ સારી પદ્ધતિથી દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે. લાઇવમિન્ટના અહેવાલ મુજબ, અધિકારીઓ દ્વારા દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. આને લગતા અંતિમ નિર્ણયોનો ઉલ્લેખ બજેટમાં થઈ શકે છે. પરંતુ રાજ્યોને તેમાં સામેલ કર્યા પછી જ સત્તાવાર શરૂઆત થશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબો, સ્થળાંતર મજૂરો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને મહામારી અને વધતા સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓને કારણે નોકરી ગુમાવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તેમને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. જેના કારણે કેન્દ્રએ તેમના માટે ટૂંક સમયમાં નવી સામાજિક સુરક્ષા યોજના તૈયાર કરવી પડશે.
સમાજના સૌથી વંચિત વર્ગોના રક્ષણ માટે તાજેતરમાં રજૂ કરવામાં આવેલી કેટલીક યોજનાઓમાં પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) સામેલ છે, જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પેન્શન યોજના છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, એક અકસ્માત વીમા યોજના છે, જેમાં 12 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ઉપલબ્ધ છે. અટલ પેન્શન યોજના એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પેન્શન કાર્યક્રમ છે.
કૃષિ ક્ષેત્ર માટે, પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના પણ અસ્તિત્વમાં છે. આ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર દર મહિને ત્રણ હજાર રૂપિયાનું ન્યૂનતમ ફિક્સ પેન્શન મળે છે. દર વર્ષે 145 મિલિયન ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની રકમ મળે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત સામાજિક સુરક્ષા યોજના પીએમ કિસાન જેવી જ હોઈ શકે છે, જેમાં કેટલાક પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે તેમણે કેટલીક શરતો પૂરી કરવી પડશે. એવા સમયે જ્યારે લોકોને આવકનું નુકસાન થયું છે, તેમના હાથમાં રહેલી આ રકમ તેમના માટે ઘણી મદદરૂપ થશે.
આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત વર્તમાન યોજનાઓને પણ આકર્ષક બનાવવામાં આવશે. આમાં અકસ્માત વીમો શામેલ હોઈ શકે છે. આ સાથે, માસિક યોગદાનમાં પણ ઘટાડો કરવાની યોજના છે.
આ પણ વાંચો : શ્રીલંકાની અર્થવ્યવસ્થાની હાલત કફોડી, મોંઘવારી ઓલ ટાઈમ હાઈ પર, માત્ર 2 મહીનાના ઈમ્પોર્ટનું બાકી છે રીઝર્વ