Breaking News : પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! SBIએ ક્રૂડ ઓઈલના ભાવને લઈને કરી મોટી ભવિષ્યવાણી, આટલો થઈ જશે ભાવ
અહેવાલમાં જણાવાયું છે કે, તેના LTSM (લોંગ શોર્ટ-ટર્મ મેમરી) અનુમાનના આધારે, આગામી 10 દિવસોમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નરમાઈ આવી શકે છે અને સરેરાશ ભાવ પ્રતિ બેરલ $87ની આસપાસ રહી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ક્રૂડ ઓઈલના ભાવને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે તેના એક એહવાલ મુજબ 2027 સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને આશરે $70 પ્રતિ બેરલ થઈ શકે છે. આ માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાં અમેરિકા-ઈરાન સંઘર્ષમાં ઘટાડો, પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)થી ક્રૂડ ઓઈલની નિકાસમાં વધારો અને વૈશ્વિક ઓઈલ બજારો પરના દબાણમાં ઘટાડો થવો જેવા કારણોનો સમાવેશ થાય છે.
$70 પ્રતિ બેરલ થશે ક્રૂડ ઓઈલનો ભાવ?
અહેવાલમાં જણાવાયું છે કે, તેના LTSM (લોંગ શોર્ટ-ટર્મ મેમરી) અનુમાનના આધારે, આગામી 10 દિવસોમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નરમાઈ આવી શકે છે અને સરેરાશ ભાવ પ્રતિ બેરલ $87ની આસપાસ રહી શકે છે. LTSM એ ‘ડીપ-લર્નિંગ’ તકનીક છે, જેનો ઉપયોગ ઐતિહાસિક અને ક્રમિક ડેટાના આધારે ભવિષ્યની ઘટનાઓ કે ડેટા પોઈન્ટ્સ વિશે સચોટ આગાહી કરવા માટે થાય છે.
અહેવાલમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આગામી નાણાકીય નીતિ (મોનેટરી પોલિસી)ના નિર્ણયના મૂલ્યાંકન માટે SBIએ ધ્યાનમાં લીધેલા પરિબળોમાં ‘બાહ્ય વાતાવરણમાં સુધારો’ પણ એક મહત્વનું પાસું છે.
વર્તમાન શ્રેણીમાં, ભારતમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો પ્રથમ વખત 6%ની સપાટીને વટાવી ગયો છે. ઓક્ટોબર 2026માં તે 6.09% પર પહોંચ્યો હતો, જે RBIની સહનશીલતા મર્યાદા (upper tolerance limit) કરતા વધારે છે. SBIનું અનુમાન છે કે આવતા મહિને પણ ફુગાવાનો દર 6%થી ઉપર રહેશે, જોકે ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થવાની અપેક્ષા છે.
ક્રૂડ ઓઈલને ભાવ ઘટે તો ભારતમાં સસ્તું થશે પેટ્રોલ- ડીઝલ
જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને પ્રતિ બેરલ $70 થઈ જાય છે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વધી શકે છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી ઓઈલ કંપનીઓનો આયાત ખર્ચ ઘટશે, જેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. જોકે, ભારતમાં પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ માત્ર ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત નથી. તેમાં ડોલર સામે રૂપિયાની કિંમત, રિફાઇનિંગ ખર્ચ, કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ તથા ઓઈલ કંપનીઓના નફાના માર્જિન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી ક્રૂડ ઓઈલ $70 પ્રતિ બેરલ સુધી ઘટે તો પણ પેટ્રોલ અને ડીઝલ કેટલા રૂપિયા સસ્તા થશે તે નક્કી કહી શકાય નહીં. જો ક્રૂડ ઓઈલમાં ઘટાડો લાંબા સમય સુધી જળવાઈ રહે અને અન્ય પરિબળો અનુકૂળ રહે, તો સામાન્ય લોકોને ઈંધણના ભાવમાં રાહત મળી શકે છે.
રેપો રેટમાં મોટા ફેરફારોની શક્યતા ઓછી
બેંકનું માનવું છે કે, બાહ્ય પરિસ્થિતિઓમાં સુધારો, વિનિમય દરમાં સ્થિરતા અને મૂડીના પ્રવાહમાં વધારાને કારણે રેપો રેટમાં મોટા ફેરફારો થવાની સંભાવના ઘટી ગઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે, “અમને લાગે છે કે ડિસેમ્બરમાં વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો મોટો વધારો થવાને બદલે, 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થવાની શક્યતા વધુ છે.” બેંકનું એવું પણ માનવું છે કે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં વધુ એક વધારો કરવો યોગ્ય રહેશે નહીં, કારણ કે ત્યાં સુધીમાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ થઈ ચૂક્યું હશે.
અહેવાલ મુજબ, રૂપિયાના મૂલ્યમાં થતા ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવા માટે RBI દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સકારાત્મક પરિણામ લાવ્યા છે; બે દિવસ પહેલાં, ડોલર સામે ભારતીય ચલણ 94 રૂપિયાના સ્તરથી નીચે ગબડી ગયું હતું. જોકે, ત્યાર બાદ તેમાં ફરી થોડો સુધારો જોવા મળ્યો છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 6 નવેમ્બરથી દેશમાં 7.65 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે.
