
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં મોકલવાની પ્રક્રિયા) માટેના નિયમોમાં સુધારો કર્યો છે. આ નવા નિયમો 11 નવેમ્બર, 2026થી અમલમાં આવ્યા છે. આ માર્ગદર્શિકા હેઠળ, કોઈપણ વ્યક્તિ ભલે તે બેંકનો ગ્રાહક ન હોય તો પણ બેંક શાખામાં જઈને અન્ય વ્યક્તિના બેંક ખાતામાં ₹50,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા બેંકની “કેશ પે-ઇન” (રોકડ જમા કરાવવાની) સેવા અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમ દ્વારા મેળવી શકાય છે. આ ઉપરાંત, બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs) અને ATM દ્વારા પણ નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. જોકે, આ દરેક માધ્યમ માટે ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
RBIએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) અંગેની હાલની સૂચનાઓને એકીકૃત કરવા અને નિયમનકારી માળખાને સરળ બનાવવા માટે આ નવા નિર્દેશો જાહેર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય એવા લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવાનો છે જેમની પાસે ઓળખ અથવા સરનામાની ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો નથી. આ પગલું ખાસ કરીને મજૂરો અને પોતાના વતનથી દૂર અન્ય શહેરોમાં કામ કરતા સ્થળાંતરિત કામદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
RBIના નવા નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ બેંક શાખામાં જઈને “કેશ પે-ઇન” સેવાનો ઉપયોગ કરીને, NEFT દ્વારા અન્ય વ્યક્તિના બેંક ખાતામાં એક વખતમાં ₹50,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પૈસા મોકલનાર વ્યક્તિ માટે બેંકનો નિયમિત ગ્રાહક હોવું હવે ફરજિયાત નથી.
RBIએ એવા લોકો માટે પણ જોગવાઈઓ કરી છે જેમની પાસે બેંક ખાતું નથી. આ વ્યવસ્થા હેઠળ, બેંકો તેમના હાલના ગ્રાહકોના ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરીને, બેંક ખાતું ન ધરાવતા વ્યક્તિઓને રોકડ ચૂકવણી (કેશ પે-આઉટ) કરવાની સુવિધા આપી શકે છે.
આ સેવા ATM, બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ અથવા અન્ય અધિકૃત પેમેન્ટ ચેનલો દ્વારા મેળવી શકાય છે. “કેશ પે-આઉટ” (રોકડ ચૂકવણી) તરીકે ઓળખાતી આ સેવા હેઠળ, પ્રતિ વ્યવહાર મહત્તમ ₹10,000 સુધીની રોકડ રકમ મેળવી શકાય છે. આ ઉપરાંત, એક વ્યક્તિ દર મહિને વધુમાં વધુ 25,000 રૂપિયા સુધીની રકમ મેળવી શકશે.
Published On - 10:09 am, Thu, 12 November 26