આવતીકાલથી સપ્ટેમ્બર મહિની શરુઆત થવા જઈ રહી છે ત્યારે આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકોમાં રજાઓની યાદી જાહેર કરી છે. RBIના હોલીડે કેલેન્ડર 2024 મુજબ, ભારતના વિવિધ પ્રદેશોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સપ્ટેમ્બરમાં કુલ 4, 5 કે 6 દિવસ નહીં પણ 15 દિવસ માટે બેન્ક બંધ રહેશે. જો તમારી પાસે બેંક સંબંધિત કામ છે, તો તેને તે તારીખો પહેલા જ પૂર્ણ કરી લેજો, જેથી બેંક બંધ હોય ત્યારે તમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સપ્ટેમ્બરમાં 15 દિવસની રજાઓમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ તેમજ રવિવાર, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે તમામ રાજ્યોમાં બેંકોની રજાઓની યાદી એક સરખી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ છે. આ રજાઓની સંપૂર્ણ સૂચિ આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે, જેમાં રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 7મીએ ગણેશ ચતુર્થી અને 16મીએ ઈદને લઈને જાહેર રજા રહેશે તે સિવાય શનિવાર અને રવિવારે પણ રજાઓ રહેશે.
બેંકો બંધ રહેવા છતાં ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. રજાના દિવસે પણ લોકો ઓનલાઈન બેંકિંગની મદદથી તેમના તમામ કામ પૂર્ણ કરી શકે છે. આજના સમયમાં બેંકની મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. તેથી, રજાના દિવસે પણ, તમે ઘરે બેસીને ઘણા બેંકિંગ કાર્યો પૂર્ણ કરી શકો છો.
Published On - 3:18 pm, Sat, 31 August 24