
જાહેર બેંકોના ખાનગીકરણના (privatization of public banks) વિરોધમાં બેંક યુનિયનોએ (bank unions) 2 દિવસની હડતાળની જાહેરાત કરી છે, જે આવતીકાલથી શરૂ થશે. બેંકોના મેનેજમેન્ટે (management) કર્મચારીઓને હડતાળ પર ન જવાની વિનંતી કરી છે. જો કે એવી આશંકા છે કે આગામી બે દિવસમાં જાહેર ક્ષેત્રની બેંકો (public sector banks)ના કામકાજ પર ગંભીર અસર પડી શકે છે.
હડતાલને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને RBL બેંકની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. PNBએ સ્ટોક એક્સચેન્જને આપેલા નિવેદનમાં કહ્યું કે બેંકે તેની શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે, પરંતુ હડતાલને કારણે બેંકના કામકાજને અસર થઈ શકે છે. જ્યારે બીજી તરફ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તેમણે હડતાલનો સામનો કરવા માટે તમામ શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજ માટે હાલની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે બેંક યુનિયનો હડતાળ પર છે. હડતાળના કારણ વિશે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણથી અર્થતંત્રના અગ્રતા ક્ષેત્રોને નુકસાન થશે અને સ્વ-સહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્રને ધિરાણના પ્રવાહને પણ અસર થશે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કહ્યું ‘યુએફબીયુના બેનર હેઠળ છેલ્લા 25 વર્ષથી અમે બેંકિંગ સેક્ટરમાં આવા સુધારાનો વિરોધ કરી રહ્યા છીએ, જે જાહેર ક્ષેત્રની બેંકોને નુકસાન પહોંચાડે છે.’ યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ અને બેંક એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેલ છે.
અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અનેક જાહેર ક્ષેત્રની બેંકોએ યુનિયનોને બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. દેશની સૌથી મોટી બેંક SBIએ તેના એક ટ્વીટમાં કર્મચારીઓને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને હડતાળમાં ભાગ લેવાથી દૂર રહેવા વિનંતી કરી છે.
બેંકના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે “અમે બેંક કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને હડતાળથી દૂર રહે. હાલની મહામારીની સ્થિતિને જોતા હડતાળના કારણે હોદ્દેદારોને ઘણી અસુવિધા થશે. આ સિવાય કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકે પણ કર્મચારીઓને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
આ પણ વાંચો : હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર