
આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરના રોજ શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. નિષ્ણાંતોના મતે ભાજપની ત્રણ રાજ્યો, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મોટી જીતની શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. ભાજપ 3 રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ માત્ર તેલંગાણામાં જ જીત મેળવી શકી છે.
સ્ટોક્સબોક્સના રિસર્ચ ડાયરેક્ટર સ્વપ્નિલ શાહના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો ભાજપની તરફેણમાં આવશે તો શેરબજારમાં મોટા ઉછાળાની અપેક્ષા રાખીએ છીએ. ભાજપ સુધારાના સમર્થક તરીકેની છબી ધરાવે છે. આ સાથે જ કોવિડના સમયગાળા દરમિયાન નિરાશાજનક વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ દરમિયાન અર્થતંત્રના સારા પ્રદર્શને બજારના સહભાગીઓને વિશ્વાસ અપાવ્યો છે કે ડબલ-એન્જિન સરકાર લાંબા ગાળા માટે ફાયદાકારક છે.
સ્વપ્નિલ શાહે આગળ કહ્યુ કે, આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની જીત એ રોકાણકારોને મજબૂત સંદેશ આપશે જેઓ ભારતની વધતી વૃદ્ધિની સંભાવના પર વિશ્વાસ કરી રહ્યા છે અને દેશને મજબૂત સ્થિતિમાં મૂકશે. આ પહેલા નિફ્ટી 1 ડિસેમ્બરે ઊંચાઈએ પહોંચ્યો હતો. નિફ્ટી 134.75 પોઈન્ટના વધારા સાથે 20,267.90 પોઈન્ટ પર બંધ થયો હતો.
જો સેન્સેક્સની વાત કરીએ તો તેમાં 492.75 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને 67,481.19 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તેમણે કહ્યું કે, ઈન્વેસ્ટર્સ પ્રોફિટ બુકિંગ કરી શકે છે. આ ઉપરાંત એ પણ જોવાનું રહે છે કે વિદેશી રોકાણકારો આ રિઝલ્ટ પર કેવી પ્રતિક્રિયા આપે છે. જો તેઓ બજારમાંથી ખરીદી ચાલુ રાખશે તો બજારમાં તેજી જોવા મળશે.
આ પણ વાંચો : ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો, 15 વર્ષની સર્વોચ્ચ સપાટીએ કિંમત પહોંચી
રિસર્ચ એનાલિસ્ટ અમિત કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, જો નિફ્ટી 20,430ની ઉપર રહેશે તો તે સપ્તાહ દરમિયાન 20,620-20,810 પોઈન્ટ સુધી જઈ શકે છે. તેમણે આગળ કહ્યું કે, બેંક નિફ્ટી 46,120ના લેવલને ક્રોસ કરવાનો પ્રયાસ કરશે. તેમાં 5 થી 7 ટકાનો વધારો થઈ શકે છે. સ્મોલ અને મિડકેપ્સમાં વેલ્યુએશન કમ્ફર્ટ ઓછું છે. એક્સિસ સિક્યોરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચના વડા રાજેશ પાલવિયાનું કહેવું છે કે, 4 ડિસેમ્બરે માર્કેટમાં વોલેટિલિટી જોવા મળશે.
Published On - 7:51 pm, Sun, 3 December 23