
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. હવે તમે ઓનલાઈન જ રોકાણ શરૂ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં SIP એટલે કે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન રોકાણનો ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. કારણકે તેમાં ખૂબ જ ઓછું જોખમ રહેલુ છે. તમે તમારા વેતનમાંથી દર મહીને માત્ર પાંચ હજાર રુપિયા જેટલી રકમ બચાવી તેનું રોકાણ કરી શકો છો. SIPમાં રોકાણ કરીને લાંબા ગાળે તમે કરોડપતિ બની શકો છો.
નિષ્ણાતો માને છે કે રોકાણકારો એકસાથે નાણાંનું રોકાણ કરવાને બદલે SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો ગણતરીથી સમજાવીએ કે જો કોઈ રોકાણકાર 5000 રૂપિયાનું માસિક રોકાણ શરૂ કરે છે, તો તે કેટલા વર્ષોમાં કરોડપતિ બની શકે છે.
જો આપણે મ્યુચ્યુઅલ ફંડ SIPના લાંબા ગાળાના વળતર પર નજર કરીએ તો રોકાણકારોને સરેરાશ વાર્ષિક 12 ટકા વળતર મળ્યું છે. આમ જો તમે માસિક 5 હજાર રુપિયાની SIP કરો છો અને 12 ટકાનું વાર્ષિક વળતર મેળવો છો, તો લગભગ 26 વર્ષમાં તમારું કોર્પસ 1.1 કરોડ રુપિયા થઈ જશે. એટલે કે તમે 26 વર્ષમાં જ કરોડપતિ બની શકો છો.
SIP કેલ્ક્યુલેટર મુજબ 5 હજાર રુપિયાનું માસિક રોકાણ 26 વર્ષમાં 1,07,55,560 રુપિયા બની જાય છે. આમાં તમારું રોકાણ 15.6 લાખ રૂપિયા હતું. જ્યારે જેના પર રિટર્નની રકમ 92 લાખ રૂપિયા થશે.મહત્વનું છે કે આ ગણતરીમાં વાર્ષિક ફુગાવાના દરની ગણતરી કરવામાં આવી નથી.
SIP કેલ્ક્યુલેટર મુજબ જો તમે 10 વર્ષ માટે મહીને 5 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને લઘુત્તમ વાર્ષિક વળતર 12 ટકા મેળવો છો, તો તમે અંદાજે 11.6 લાખ રુપિયાનું ભંડોળ એકઠુ કરશો. જેમાં રોકાણની કુલ રકમ 6 લાખ રૂપિયા હશે અને સંપત્તિનો લાભ 5.6 લાખ રૂપિયા મળશે.
જો તમે 20 વર્ષ માટે મહીને 5 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 50 લાખ રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 12 લાખ રૂપિયા અને સંપત્તિમાં 38 લાખ રૂપિયાનો ફાયદો થશે.
આ પણ વાંચો- શું તમારી પાસે ચાલવા માટેનો સમય નથી, તો માત્ર આ ટિપ્સ ફોલો કરો 10,000થી પણ વધારે સ્ટેપ ચાલી જશો
જો તમે 30 વર્ષ માટે મહીને 5 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને લઘુત્તમ વાર્ષિક વળતર 12 ટકા મેળવો છો, તો તમે અંદાજિત 1.8 કરોડ રુપિયાનું ભંડોળ ઊભું કરશો. આમાં રોકાણની કુલ રકમ 18 લાખ રૂપિયા હશે અને સંપત્તિમાં 1.6 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 11:37 am, Thu, 9 November 23