કેન્દ્ર સરકાર બાદ ભાજપ શાસિત 5 રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં પ્રતિ લિટર 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.આસામ, ત્રિપુરા, કર્ણાટક અને ગોવાની સરકારોએ પ્રતિ લિટર 7 રૂપિયા સુધી વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જ્યારે ઉત્તરાખંડે પ્રતિ લિટર 2 રૂપિયાની રાહત આપી છે.કેન્દ્ર અને રાજ્યો દ્વારા કરવામાં આવેલા ટેક્સ કાપને ઉમેરવાથી, આસામ, ત્રિપુરા, કર્ણાટક અને ગોવામાં પેટ્રોલના ભાવમાં દિવાળીના દિવસથી 12 રૂપિયા અને ડીઝલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો થશે. આ સાથે ઉત્તરાખંડમાં પેટ્રોલ 7 રૂપિયા અને ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું છે.
સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 3 નવેમ્બરને બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી(Excise Duty)માં ઘટાડો કર્યો છે. ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. દિવાળી પર કરવામાં આવેલી આ જાહેરાત આસમાનને આંબી રહેલા ઈંધણના ભાવોને નીચે લાવવામાં મદદ કરશે અને મોંઘવારીથી પીડિત સામાન્ય માણસને પણ થોડી રાહત આપશે.
મોદી સરકારે લોકોને દિવાળી ભેટ આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. સરકારે 4 નવેમ્બર લાગુ પડે એ રીતે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા અંગે સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પરના ટેક્સમાં બમણો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. રવિ પાકની સિઝન શરૂ થઈ રહી છે. ખેતીના કામમાં વપરાતા સાધનો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે. આવી સ્થિતિમાં ડીઝલના દરમાં ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળશે.
બીજી બાજુ કોંગ્રેસે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાને તાજેતરની પેટાચૂંટણીમાં “ભાજપની હાર”ના કારણે એક પગલું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોના ભાવ 2014ની યુપીએ સરકારના ભાવ સાથે સરખા રાખવા જોઈએ.
આ પણ વાંચો : ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને
આ પણ વાંચો : આખરે શું હોય છે પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવતી Excise Duty, જેનાથી સરકાર કમાય છે રોજના કરોડો રૂપિયા