ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડા બાદ મંગળવારથી રિકવરી જોવા મળી હતી. આજે બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ શેરબજારમાં અદાણી ગ્રુપના શેર 1500 રૂપિયા પ્રતિ શેરથી વધુના ભાવે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અદાણી ગ્રૂપના શેર એટલા ઝડપથી વધ્યા કે અદાણીએ એક જ દિવસમાં લગભગ રૂ. 3,30,32,32,00,000ની કમાણી કરી. જ્યારે એલન મસ્ક પણ એક દિવસમાં આટલા બધા પૈસા કમાઈ શક્યા નથી. અદાણી ગ્રૂપની આ સ્થિતિ જોઈને લાગે છે કે હવે, અદાણી ગ્રૂપ ધીમે ધીમે હિંડનબર્ગની સુનામીમાંથી બહાર આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપને લઈને અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા નેગેટિવ રિપોર્ટ બાદ શેરબજારમાં હલચલ મચી ગઈ હતી. અદાણી શેર્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના શેરમાં 80 થી 85 ટકાનો ઘટાડો થયો હતો. અદાણીના શેરમાં ઘટાડાને કારણે તેમની કંપનીનું માર્કેટ કેપ ઘટીને $140 બિલિયન થઈ ગયું હતું, પરંતુ હવે અદાણીના શેરના ભાવ ફરી વધવા લાગ્યા છે. હિંડનબર્ગની સુનામીમાં ડૂબેલ અદાણી હવે ફરી આગળ વધી રહ્યા છે.
સતત બીજા દિવસે, અદાણીએ જબરદસ્ત પુનરાગમન કર્યું છે અને અમીરોની યાદીમાં ઉંચી છલાંગ લગાવી છે. અદાણીએ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટમાં મોટો ફેરફાર કર્યો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સની યાદીમાં સતત નીચે આવતા ગૌતમ અદાણી આજે ટોપ ગેઈનર બની ગયા છે. બપોરે 1 વાગ્યાની આસપાસ આ યાદીમાં ગૌતમ અદાણી ટોચના ક્રમાંકે હતા. આ યાદીમાં જ્યાં અદાણી ગ્રુપ ટોપર રહ્યું છે, ત્યાં વિશ્વના બીજા સૌથી અમીર ટેસ્લા, ટ્વિટરના માલિક એલોન મસ્ક ટોપ લૂઝર્સમાં બીજા સ્થાને છે.
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ આજે ટોપ લૂઝર છે. તેમણે થોડા જ કલાકોમાં 1.5 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી દીધી. જોકે તે અમીરોની યાદીમાં ટોચ પર છે. બીજી બાજુ, એલોન મસ્ક આજે 1.2 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે અને સંપતિ ગુમાવવાની પ્રક્રિયા ચાલુ છે. ઈલોન મસ્ક આજે 196 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં નંબર 2 પર પહોંચી ગયા છે.
નોંધપાત્ર વાત એ છે કે, શેરબજારમાં અદાણી જૂથના શેરમાં થયેલા વધારાને કારણે અદાણીની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં લિસ્ટેડ અદાણીના 10માંથી 10 શેર્સમાં જબરદસ્ત તેજી ફરી વળી છે. જેના કારણે ગૌતમ અદાણીએ એક દિવસમાં લગભગ 3,30,32,32,00,000 રૂપિયાની કમાણી કરી અને સાબિત કર્યું કે તેઓ કોઈથી ઓછા નથી. આટલું જ નહીં સંપત્તિમાં વધારા સાથે ગૌતમ અદાણીએ ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સમાં ઉંચી છલાંગ લગાવી છે. બે દિવસ પહેલા આ લિસ્ટમાં 39મા નંબરે પહોંચ્યા હતા. તેમની સંપત્તિ ઘટીને $30 બિલિયનની નજીક આવી ગઈ હતી. હવે તે વધીને $77.4 બિલિયન થઈ ગયું છે.