બિહારના મુઝફ્ફરપુર(Muzaffarpur)માં એક મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં કચરો નાખીને પેટ્રોલ (Petrol) બનાવામાં આવે છે. અહીં માત્ર 6 રૂપિયાના કચરામાંથી 79 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બની રહ્યું છે. આ મશીન મુઝફ્ફરપુરના કુધનીના ખરૌનામાં લગાવવામાં આવ્યું છે. બિહાર સરકારના મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી રામસુરત રાય દ્વારા મંગળવારે પ્લાસ્ટિકના કચરામાંથી એટલે કે પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel) બનાવતા યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કચરામાંથી પેટ્રોલ ડીઝલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપ્યા બાદ બિહાર દેશનું પહેલું રાજ્ય હશે જ્યાં આ રીતે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવામાં આવી રહી છે.
કેવી રીતે બને છે કચરામાંથી પેટ્રોલ-ડીઝલ
કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટમાંથી દરરોજ 150 લિટર ડીઝલ અથવા 130 લિટર પેટ્રોલનું ઉત્પાદન કરવામાં આવશે. આ માટે 200 કિલો કચરો વપરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ બનાવવાની પ્રક્રિયામાં સૌથી પહેલા કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પછી, બ્યુટેન આઇસો ઓક્ટેનમાં રૂપાંતરિત થાય છે. આઇસો-ઓક્ટેન પછી મશીન દ્વારા વિવિધ દબાણ અને તાપમાને ડીઝલ અથવા પેટ્રોલમાં રૂપાંતરિત થાય છે. અહીં ડીઝલ 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પેટ્રોલ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બનાવી શકાય છે.
દેહરાદૂનમાં કરવામાં આવ્યું છે સંશોધન
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂન દ્વારા કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ કાઢવાની પ્રક્રિયા પર સફળ સંશોધન કરવામાં આવ્યું છે. અહીં કરવામાં આવેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે ડીઝલ અને પેટ્રોલમાં ઓક્ટેન વેલ્યુ વધુ હોવાને કારણે તેની માઈલેજ વધુ હોવાનું જાણવા મળ્યું છે. કચરામાંથી ડીઝલ પેટ્રોલ કાઢવાની સમગ્ર પ્રક્રિયામાં આઠ કલાક જેટલો સમય લાગે છે. મુઝફ્ફરપુરના આ પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કચરો ઉપલબ્ધ કરાવશે.
મંત્રી રામસુરત રાયે ઉદ્ઘાટન કર્યું
આ પ્લાન્ટ પર લોકોનો વિશ્વાસ વધારવા માટે, તેનું ઉદ્ઘાટન કરવા આવેલા બિહાર સરકારના મંત્રી રામસુરત રાયે અહીં 10 લિટર ડીઝલ ખરીદ્યું. તેમણે કહ્યું કે આવા પ્રયોગને સમર્થન આપવાની જરૂર છે. જો તે મોટા પાયે સફળ થશે તો લોકોને ઓછા ખર્ચે પેટ્રોલ અને ડીઝલ મળી શકશે. તેથી મુઝફ્ફરપુરમાં તેલ બનાવવાના આ પ્લાન્ટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Success Story: યુવા ખેડૂતે ખેતીમાં અજમાવ્યું નસીબ, ખેતી અને પશુપાલનથી કરે છે લાખોની કમાણી
આ પણ વાંચો: COP26 ગ્લોબલ ક્લાઈમેન્ટ સમિટમાં વડાપ્રધાને કહ્યું ‘જળવાયું પરિવર્તન કૃષિ ક્ષેત્ર માટે પડકાર’